દાંતા અને થરાદ તાલુકામાં જાગૃતિ અને લાભ વિતરણ શિબિરનું કરાયું આયોજન
આરોગ્ય, અનાજ-પુરવઠા, ગ્રામીણ વિકાસ, સમાજ કલ્યાણ, ખેતીવાડી, મહેસૂલ, શિક્ષણ, પંચાયત સહિતના વિભાગો દ્વારા કામગીરી હાથ ધરાઇ
ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો બનાસકાંઠા જિલ્લામાં પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આગામી ૧૫ જુલાઈ ૨૦૨૫ સુધી આ અભિયાન થકી આદિવાસી વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત ૩ જુલાઈ ૨૦૨૫ના રોજ દાંતા તાલુકાની પીપળાવાળી વાવ આશ્રમ શાળા ખાતે, થરાદ તાલુકાના મોટા મેસરા પ્રાથમિક શાળા ખાતે સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ૪ જુલાઈ ૨૦૨૫ના રોજ દાંતા તાલુકાની કુંવારસી પ્રાથમિક શાળા ખાતે, અમીરગઢ તાલુકાની ખૂણીયા પ્રાથમિક શાળા તથા થરાદ તાલુકાની ભારોલ પ્રાથમિક શાળા ખાતે કેમ્પનું આયોજન કરાશે.
દાંતા અને થરાદ તાલુકામાં આયોજિત કેમ્પમાં આરોગ્ય, અનાજ અને પુરવઠા, ગ્રામીણ વિકાસ, સમાજ કલ્યાણ, ખેતીવાડી, મહેસૂલ, પંચાયત સહિતના વિભાગો દ્વારા આદિવાસી સમુદાયના લોકો માટે આધાર કાર્ડ, રાશન કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જનધન ખાતા, દિવ્યાંગ પેન્શન, મનરેગા મુદ્રા લોન, પીએમ વિશ્વકર્મા યોજના, આંગણવાડીના લાભો સુનિશ્ચિત કરાયા હતા.
આ અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લાના ૫ તાલુકાના ૧૬૭ ગામોના ૧,૯૧,૮૯૬ આદિવાસી લોકોનો સમાવેશ કરાયો છે. અભિયાન અંતર્ગત આદિવાસી લોકોને વિવિધ યોજનાઓના લાભ અંગે જાગૃતિ લાવવા માટે ખાસ કેમ્પનો પ્રારંભ કરાયો છે.
નોંધનીય છે કે, ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાન એ ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વાકાંક્ષી પહેલ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકામાં રહેલી ખામીઓને દૂર કરીને સર્વગ્રાહી અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.