આંદોલનને પગલે તંત્ર એક્શન માં,દબાણો દૂર કરાયા; બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર હાઇવે પરની ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે. ત્યારે ટ્રાફિક સમસ્યાના કાયમી હલની માંગ સાથે આજે જાગૃત નાગરિકોએ ધરણાં યોજ્યાં હતા.
પાલનપુર હાઇવે પરની ટ્રાફિક સમસ્યા શિરદર્દ રૂપ બનતી જાય છે. કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા વાહનોના ઇંધણ સાથે લોકોનો સમય અને શક્તિ નો વેડફાટ થઈ રહ્યો છે. તો વળી, છાશવારે થતા અકસ્માતોમાં નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે. ત્યારે સત્વરે બાયપાસ બનાવવાની માંગ સાથે જાગૃત નાગરિકોએ ધરણાં યોજી તંત્રને જગાડવા માટે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સિનિયર સિટીઝનો તો પોલીસની મદદ વગર રસ્તો પણ ઓળંગી શકતા નથી. ત્યારે વારંવારની રજૂઆતો જાડી ચામડીના બનેલા તંત્રના બહેરા કાને અથડાઈને પરત ફરતા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો હોવાનું સિનિયર સીટીઝન પ્રતાપરાય ધતુરિયાએ જણાવ્યું હતું.
પાલનપુરની ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા લોક સમર્થન માટે મિસ કોલ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં 25,000 મિસકોલ આવ્યા છે. જેને લઈને મુખ્યમંત્રી સુધી રજુઆત કરાશે. તેમ છતાંય નિરાકરણ નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી ટ્રાફિક નિવારણ સમિતિના અગ્રણી જશવંતસિંહ વાઘેલાએ ઉચ્ચારી હતી. આમ, પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે સત્વરે બાયપાસ અને ઓવર બ્રિજ બનાવવાની સાથે હાઇવે પરના નડતરરૂપ દબાણો દૂર કરવાની માંગ જોર પકડી રહી છે.
મિસકોલ બાદ પોસ્ટ કાર્ડ ઝુંબેશ; પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બાયપાસની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. ત્યારે સત્વરે બાયપાસ પૂર્ણ કરવાની માંગ વચ્ચે હાલમાં ભારે વાહનોને ડાઈવર્ઝન આપવાની સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરવા તથા ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા માટે મિસ કોલ અભિયાન બાદ હવે કેન્દ્રીય પરિવહન મંત્રીને એક લાખ પોસ્ટકાર્ડ લખી રજુઆત કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હોવાનું કૌશલ જોશીએ જણાવ્યું હતું.
કાચા દબાણો દૂર,પાકા સામે આંખ આડા કાન; પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા ને લઈને આંદોલનના ભણકારા વચ્ચે હવે રહી રહીને આખરે તંત્ર જાગ્યું છે. તંત્ર દ્વારા આળસ ખંખેરી આજે પાલનપુર નગર પાલિકા ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, આર એન્ડ બી ની ટીમ દ્વારા હાઇવે ઉપર આવેલા દબાણ દૂર કરાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિકને નડતર રૂપ દબાણો દૂર કરી હાઇવે માર્ગને ખુલ્લો કરી અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું અધિકારી કહી રહ્યા છે. જોકે, હાઇવે પર કાચા દબાણો દૂર કરી પાકા દબાણો સામે આંખ આડા કાન કરાયા હોઈ તંત્રની દબાણ હટાવ ઝુંબેશ ફારસરૂપ પુરવાર થશે તેવો અંદેશો જાગૃત નાગરિકો એ વ્યક્ત કર્યો હતો.
કલેકટર-ધારાસભ્યની મુલાકાત બાદ દબાણો દૂર; પાલનપુર એરોમાં સર્કલથી હનુમાન ટેકરી સુધીના હાઇવે સુધી ટ્રાફિકને અડચણરૂપ થતા બંન્ને સાઈડમાં કાચા સહિત હોર્ડિંગ્સના દબાણ હટાવામાં આવ્યા હતા. ટ્રાફિક જામ ની વધતી જતી લોક ફરિયાદોને લઈને ગતરોજ જિલ્લા કલેકટર મિહિર પટેલ, ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત સબંધિત અધિકારી ઓ એરોમાં સર્કલ સહિત હાઇવે તેમજ શહેરના કૉજી વિસ્તારમાં મુલાકાત લીધા બાદ આજે પાલિકા તંત્ર દ્વારા ટ્રાફિક અડચણ રૂપ બનતા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.