બનાસકાંઠામાં છેલ્લાં એક સપ્તાહથી સર્વર અવારનવાર ઠપ્પ
ફાર્મર રજીસ્ટ્રીની છેલ્લી તારીખ 25 મી નવેમ્બર હોઈ ઇગ્રામ કેન્દ્રો ઉપર ખેડૂતોની લાઈનો લાગી
બનાસકાંઠા જિલ્લામાં કિસાન નોંધણી કરવા માટે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ઈ ગ્રામ કેન્દ્રો ઉપર અરજદારો સાથે ધરમના ધક્કા ખાઈ રહ્યાં છે.સર્વર અવારનવાર ડાઉન કે ઠપ્પ થઇ જતા ઇ ગ્રામ કેન્દ્રો ઉપર ખેડૂતોની લાંબી- લાંબી કતારો જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સર્વર ડાઉન થતા જિલ્લાભરમાં ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને પડતી હાલાકીને લઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. તેમાં પણ છેલ્લી તારીખ 25 મી નવેમ્બર હોઈ ખેડૂતોનો ઘસારો ઇ ગ્રામ કેન્દ્રો પર વધી પડતા લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.જેથી સર્વર ડાઉન રહેતાં ખેડૂતો નોંધણી તારીખ લંબાવવા અને સર્વર ઝડપી કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.
ફાર્મર રજીસ્ટ્રી કરાવવા આવેલ ખેડૂત વીરાભાઈ રાવળના જણાવ્યાં અનુસાર ઇ ગ્રામ કેન્દ્ર ઉપર આવીને અહીં લાઈનમાં ઉભા રહેવું પડે છે.સર્વર ડાઉન હોવાથી નોંધણી થતી નથી.વાવેતરના સમયે ખેતરમાં કામ હોવા છતાં પડતા મૂકી અહીં ઉભા રહીએ છીએ. સવારથી માંડી સાંજ સુધી ઉભા રહ્યાં હોવા છતાંય રજીસ્ટ્રી થતી નથી.અમારું કામ અને સમય બગડે છે. સત્વરે સર્વરને ઝડપી બનાવી ખેડૂતોને પડતી હાલાકી દૂર કરવામાં આવે એવી અમારી માંગ છે.
આ અંગે બનાસકાંઠા જિલ્લા વી.સી.ઈ. મંડળના પ્રમુખ રામસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે
સરકારની પી.એમ.કિસાન યોજના દ્વારા મળતાં બે હજારના હપ્તાનો લાભ લેવા માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત બની છે.એ સિવાય ખેડૂતોને મળતાં કૃષિ સહાયના લાભો મેળવવા માટે ઇ કેવાયસી ફરજિયાત બન્યું છે.જેને લઈને ઇ ગ્રામ કેન્દ્રો ઉપર ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે.પણ સર્વરનો પ્રોબ્લમ હોવાના કારણે માંડ એક કે બે એન્ટ્રીઓ થઈ રહી છે.જેથી સર્વરના કારણે સમસ્યા સર્જાઇ રહી છે.