ધાનેરા પોલીસ સ્ટેશનના જવાનોએ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે, રાજસ્થાનથી આવતી એક સ્વિફ્ટ ગાડીમાંથી ₹50,830/-નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ ₹3,50,830/-નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધાનેરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ, નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અનાપુર છોટા નજીક તેમને બાતમી મળી હતી કે, ધાનોલ, રાજસ્થાનથી એક સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે અનાપુર છોટા રોડ પર નાકાબંધી કરી ગાડીની રાહ જોઈ હતી.
બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાડીચાલકે પોલીસને જોઈ ગાડી ભગાવી મૂકી હતી. જેથી પોલીસે તેનો પીછો કરતા નાના મેડા ગામની સીમમાં ગાડીને આંતરીને ઊભી રખાવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી 192 ટીન અને બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹50,830/- આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા અને ગાડી (કિંમત ₹3,00,000/-) સહિત કુલ ₹3,50,830/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ગાડીચાલક કિરણભાઈ કેશાભાઈ લુહાર (ઉંમર: 35, રહેવાસી: માલોતરા)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

