ધાનેરા પોલીસનો ભોજણા ગામે કરિયાણાની દુકાન પર દરોડો
ધાનેરા તાલુકાના ભોજણા ગામે કરિયાણાની દુકાનમાં નશીલી દવાઓનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે ઓચીંતો દરોડો પાડતા નાના એવા ગામમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. આ અંગેની પોલીસ માંથી મળતી પ્રાપ્ત વિગત મુજબ ધાનેરા પીઆઈ એમ.જે. ચૌધરીને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફના સભ્યો ખુમાભાઈ, ભીખાભાઈ, વનરાજસિંહ, રમેશભાઈ અને ગોમતીબેનને સાથે લઈને ભોજણા ગામે કરિયાણાની દુકાન પર દરોડો પાડયો હતો. તપાસ કરતા મૂળ રાજસ્થાની અને હાલ ભોજણા ગામમાં કરિયાણાની દુકાન ચલાવતો મહિપાલ દેવીદાન ગઢવી નામનો વેપારી પોતાની દુકાનમાં નશીલી દવાઓ વેચતો હોઈ દુકાનમાંથી નશાકારક ગોળીઓ અન્ય દવાઓ, મોબાઈલ ફોન અને ડીવીઆર મશીન મળી કુલ રૂ. ૧૫,૮૮૮નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે વેપારી સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કલમ ૮ (સી), ૨૨ (એ) હેઠળ ગુનો દાખલ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

