પાલનપુર એલ.સી.બી.ટીમે ત્રણ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં વેલાજી શિવાજી માજીરાણા નામના વ્યક્તિની તેના મિત્ર હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર અને તેના પરિવારના સભ્યો દ્વારા હત્યા કરી તેની લાશને ધાનેરા તાલુકાના સાંકડ ગામે જમીનમાં દાટી દીધી હતી. પોલીસે પકડાયેલા આરોપીઓને સાથે રાખીને સડી ગયેલી હાલતમાં લાશ કાઢીને ફોરેન્સિક પીએમ માટે ખસેડાઈ હતી. સાંકડ ગામે ભુટા મહારાજના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોરને તેના મિત્ર વેલાજી શિવાજી માજીરાણા પર આડા સંબંધોની શંકા હતી.
જે શંકાના આધારે ગત ૨૭ એપ્રિલ ૨૦૨૫ની રાત્રે આરોપીઓએ વેલાજી શિવાજી માજીરાણાનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું અને લાશને ખેતરમાં દાટી દીધી હતી. જે મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં જિલ્લા પોલીસ વડાએ ઝીણવટભરી તપાસ માટે એલ.સી.બી.ની અલગ-અલગ ટીમોની રચના કરી હતી.પાલનપુર એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈ અને તેમની ટીમે સાવચેત તપાસ અને બાતમી નેટવર્કના આધારે આ કેસનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં મૃતકની લાશ ખેતરમાં દાટવામાં આવી હોવાની બાતમી મળતાં પોલીસે સ્થળ પર જઈ તપાસ કરી મુખ્ય આરોપી હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ આડા સંબંધોની શંકાના કારણે આ હત્યાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. થરાદના નાયબ પોલીસ અધિક્ષક એસ.આર.ભારાઈ આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

