ચૂંટણી બાબતે ભાજપ -કોંગ્રેસ વચ્ચે આક્ષેપ; ગતરોજ રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જોકે ધાનેરા નગર પાલિકાની ચૂંટણી જાહેર થઈ નથી.પાલિકા છેલ્લા અંદાજિત ૨૨ મહિનાથી વહીવટદારનાં હવાલે છે.આટલો સમય થવા છતાં પાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ નથી.જેને લઇ કોંગ્રેસ પક્ષમા ભારે નારાજગી જોવા મળી રહી છે.કોંગ્રેસ શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર ધાનેરા તાલુકામા હાલ જિલ્લા વિભાજન બાબતે પ્રજામા ભારે રોષ જોવા મળી રહ્યો છે.અને આવા માહોલમા જો ચૂંટણી થાય તો કોંગ્રેસનો વિજય થાય. જેથી સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી નથી.
પાલિકામા કુલ ૭ વોર્ડ આવેલા છે જેમાં ૨૮ બેઠકો માટે ચૂંટણી થાય છે.ગત ટર્મમા યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપની હાર થઈ હતી. જોકે ચૂંટણી કેમ જાહેર નથી થઈ તેને લઈ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ વસંતભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે ધાનેરા નગરપાલિકાના વિસ્તારમાં વધારો થવાનો છે.ધાનેરાના ડીસા રોડ પર આવેલ શ્રીનાથ સોસાયટી સાથે અન્ય સોસાયટીના વિસ્તારો પાલિકામાં સમાવેશ કરવાના છે જે નવા સીમાંકન પ્રમાણેની તૈયારી સાથે ચૂંટણી જાહેર થશે. ધાનેરા તાલુકામાં શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં જિલ્લા વિભાજન બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.બીજી તરફ ચૂંટણી પંચે પાલિકાની ચૂંટણી જાહેર કરી નથી. હવે જોવાનું એ છે કે જિલ્લા વિભાજન બાબતે પરિણામ શુ આવે છે? ત્યારે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી બનાસકાંઠા જિલ્લા સાથે જાહેર થશે કે પછી વાવ- થરાદના નવા જિલ્લા સાથે? તેને લઈ માહોલ હવે ગરમ થઈ રહ્યો છે.