નાઈજીરીયામાં ગેસોલિન ટેન્કરમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા છે. કલાકોની ભારે જહેમત બાદ કામદારોએ આગ પર કાબુ મેળવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક થયેલા વિસ્ફોટ બાદ ટેન્કરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ કેટલાય મીટર ઉંચી થવા લાગી અને આકાશમાં કાળો ધુમાડો દેખાવા લાગ્યો. નાઈજીરિયાના ઉત્તર-મધ્ય ભાગમાં ગેસોલિન ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે.
દેશની ઈમરજન્સી રિસ્પોન્સ એજન્સીએ આ જાણકારી આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, નાઇજર રાજ્યના સુલેજા પ્રદેશ નજીક શનિવારે વહેલી સવારે વિસ્ફોટ થયો હતો જ્યારે લોકો જનરેટરનો ઉપયોગ કરીને ટેન્કરમાંથી અન્ય ટ્રકમાં ગેસોલિન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. એવું માનવામાં આવે છે કે ગેસ ટ્રાન્સફર દરમિયાન લીકેજને કારણે આ દુર્ઘટના બની હશે. જોકે આ મામલે તપાસ ચાલી રહી છે. આ પછી જ સાચું કારણ કહી શકાશે.
આસપાસ ઘણા લોકો ઉભા હતા
જ્યારે આ ઘટના બની ત્યારે તેની આસપાસ મોટી સંખ્યામાં મજૂરો અને અન્ય કર્મચારીઓ સ્થળ પર ઉભા હતા. જેના કારણે મોટાભાગના લોકો તેનો શિકાર બન્યા હતા. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના હુસૈની ઇસાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ઇંધણ ટ્રાન્સફરને કારણે થયો હતો, જેના પરિણામે ગેસોલિન ટ્રાન્સફર કરનારા લોકો અને રાહદારીઓના મૃત્યુ થયા હતા. ઈસાએ કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે.