શહેરીજનોમાં પાલિકાની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા; ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. શહેરમાં ગાયો, આખલાઓ અને ભૂંડનો ત્રાસ એટલો વધી ગયો છે કે શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતા પશુઓના કારણે અનેક નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો દિવ્યાંગતાનો ભોગ બન્યા છે. રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નગરપાલિકાઓને રખડતા પશુઓની સમસ્યા દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરી રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ તેમ છતાં આ સમસ્યા યથાવત છે. આ કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની આશંકા સેવાઈ રહી છે.
તાજેતરમાં, ડીસા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી કરતી એજન્સી દ્વારા મજૂરોને સેફ્ટી સાધનો આપ્યા વિના આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બગીચા સર્કલ અને મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ સર્કલ પાસેથી માત્ર આખલાઓને પકડીને પાંજરે પૂરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા એજન્સીને ગાયો સહિત આખલાઓને પકડવાની કામગીરી સોંપવામાં આવી હોવા છતાં, એજન્સી દ્વારા માત્ર આખલાઓને જ પકડવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં પણ પશુઓ પ્રત્યે ક્રૂરતાપૂર્વક વર્તન કરવામાં આવી રહ્યું હોવાનું જીવદયા પ્રેમીઓ દ્વારા આક્રોશપૂર્વક જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે અગાઉ પણ આજ એજન્સીને પશુઓ પકડવાની કામગીરીનું ટેન્ડર આપવામાં આવ્યું હતું, જેમાં લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, છતાં શહેરમાં રખડતા પશુઓની સમસ્યામાં ફરીથી વધારો જોવા મળ્યો છે. પાલિકા દ્વારા વારંવાર એક જ એજન્સીને પશુઓ પકડવાની કામગીરી સોંપવામાં આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચ છતાં રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ ન આવતા પાલિકાની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જાયો છે. આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી શહેરજનોની માંગ છે.