“ફૂલો” અને “અત્તરો” ના નામે ઓળખાતા પાલનપુરને પાલિકાએ “ખાડાનગરી” બનાવ્યું
પાલનપુર શહેરના નગરપાલિકાના પ્રમુખના તાજ બદલાઈ ગયા પરંતુ શહેરની તાસીર હજુ બદલાઇ નથી. ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદમાં જ પાલનપુર શહેરના રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. ફૂલો અને અત્તરની નગરી ગણાતું પાલનપુર શહેર હાલમાં ખાડા નગરી તરીકે જોવા મળી રહ્યું છે. રસ્તા ઉપર પડેલા ખાડાઓના કારણે લોકો – વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી.
પાલનપુર શહેરના દિલ્હી ગેટથી માલણ દરવાજા રોડ ઉપર મસ મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો -રાહદારીઓ પરેશાન છે. આ રોડ ઉપરથી ગામડાના અને શહેરના લોકો પસાર થાય છે. સ્કુલે જતા બાળકો પણ અહીંથી પસાર થતા હોય છે. ત્યારે રોડ ઉપર પડેલા ખાડાઓને લઈને બધા જોખમી રીતે અહીંથી પસાર થાય છે.
ચોમાસા દરમિયાન ખાડાઓમાં પાણી ભરાય છે અને જેના કારણે ખાડો કઈ જગ્યાએ છે? કેટલો ઊંડો છે? તેની કોઈને ખબર પડતી નથી અને ઘણીવાર અકસ્માતો સર્જાય છે.ત્યારે તાત્કાલિક ધોરણે આ ખાડાઓ પૂરવામાં આવે અને માર્ગ રીપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.એક સમય એવો હતો કે પાલનપુર શહેર એ ફૂલો અને અત્તરની નગરી તરીકે જાણીતું હતું. જોકે તંત્રની કામ કરવાની ઢીલી નીતિ અને અણ આવડતને લઈને હવે પાલનપુર શહેર ખાડાઓની નગરી તરીકે જાણીતું બન્યું છે. અનેક જગ્યાએ ખાડાઓના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યાં છે.
પાલનપુર શહેરના કંથેરિયા હનુમાન રોડ પર ખાડાઓ 10 ફૂટથી વધારે મોટા અને ઉંડા છે. તો માલણ દરવાજાથી અંબાજી હાઈવે તરફ જતા માર્ગ પર તો 15 -15 ફૂટના ખાડા જોવા મળી રહ્યા છે. જેમાં ટુ-વ્હીલર કે કોઈ સિનિયર સિટીઝન કે નાના બાળકો ચાલે તો જીવનું જોખમ રહે છે.
તંત્ર પાયાની સવલતો આપવામાં પણ નિષ્ફળ; પાલનપુર શહેરમાં બનાવવામાં આવતા રોડના કામો ગુણવત્તા પૂર્વક કરવામાં આવતા નથી અને તેના કારણે થોડા મહિનાઓમાં કે થોડા વર્ષોમાં બનેલા રોડો વારંવાર તૂટી જાય છે. અને રોડ ઉપર ખાડા પડી જાય છે એટલે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે.પ્રજાજનો સરકારમાં ટેક્સ ભરે છે એવી આશા સાથે કે તેમને સરકાર પ્રાથમિક સુવિધાઓ આપશે.જોકે લોકોને રોડ રસ્તા પાણી સહિતની સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.અને ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં પણ લોકોને આવા ખાડા વાળા રસ્તા ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યાં છે.
10 થી 15 ફૂટ ઊંડા જીવલેણ ખાડા; પાલનપુરના દિલ્હી ગેટથી માલણ દરવાજા અને માલણ દરવાજાથી ધનીયાણા ચાર રસ્તા તો બીજી તરફ પોલીટેકનિક રોડથી ગઠામણ દરવાજા સુધી માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે અને આ ખાડા પણ નાના નથી. આ ખાડાઓ ટેપ પટ્ટીથી માપવામાં આવ્યા તો આ ખાડો 15 ફૂટથી વધારે મોટા અને ઊંડા છે.જો વાહન આ ખાડાઓમાં પટકાય કે કોઈ વ્યક્તિ અંદર પડે તો તેના જાનનું પણ જોખમ બની શકે છે.કેમ કે વરસાદમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે આ ખાડાઓ દેખાતા પણ નથી અને રાહદારીઓ હોય કે વાહન ચાલકો ત્યાંથી પસાર થાય તો સીધા અચાનક ખાડાઓમાં પટકાય છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ બને છે અને લોકો આ ખાડાઓના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થતા હોય છે.