યુવાનોની ગેરરીતિઓ અટકાવી ન્યાયિક તપાસ કરવાની માંગ; ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં આજે ડીસા શહેરમાં યુવાનો દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યે પ્રાંત અધિકારીને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં ઉપસ્થિત યુવાનોએ આ મામલે યોગ્ય તપાસ હાથ ધરી ન્યાય અપાવવાની તેમજ ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
તાજેતરમાં GPSC દ્વારા લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠી છે, જેને પગલે યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે ડીસા ખાતે એકઠા થયેલા યુવાનોએ જણાવ્યું હતું કે, મહેનત અને લગનથી તૈયારી કરતા ઉમેદવારોને આવી ગેરરીતિઓના કારણે અન્યાય થઈ રહ્યો છે, જે લોકશાહી અને ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે.
આવેદનપત્રમાં યુવાનોએ માંગણી કરી હતી કે, GPSC પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ તપાસમાં દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પરીક્ષા પ્રણાલીમાં સુધારા કરવામાં આવે. યુવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
આ આવેદનપત્ર સુપરત કરવા સમયે મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે “અમને ન્યાય આપો”, “ગેરરીતિ બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર મામલે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે ? તે જોવું રહ્યું.