નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ડીસા ખાતેથી ૫૧ નવીન એસટી બસોનું લોકાર્પણ કરાયું
નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજપુર-ડીસા પાંજરાપોળ ખાતે જીવદયા વીર સ્વ.ભરતભાઈ કોઠારી સ્મૃતિ સ્મારકનું અનાવરણ કરાયું
ગુજરાત પોલીસ અને જીવદયા પ્રેમીઓની સંયુક્ત કામગીરીથી હજારો અબોલ જીવ બચાવી શકાયા છે:- હર્ષભાઈ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર સ્થિત સમોર માતાજીના મંદિર ખાતે દર્શન કરીને પોતાના પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ૫૧ નવીન બસોનું લોકાર્પણ
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડીસા હવાઈ પિલ્લર ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વયવહાર નિગમની કુલ ૫૧ નવીન બસનું લોકાર્પણ કરીને ફ્લેગઓફ કરાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ નવીન બસોનું પૂજન તથા નિદર્શન કર્યું હતું. આ નવીન બસ વિવિધ સુવિધાઓથી સજ્જ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકના અત્યારે ૮૧૮૫ વાહનો ઉપલબ્ધ છે.
જેમાં ૪૧૫ સ્લીપર બસ, ૩૦૦ લક્ઝરી, ૪૭૫ સેમી, ૫૬૦૫ સુપર, ૧૧૫૪ મીની તથા ૨૩૬ પ્રીમિયમ બસ ધરાવે છે. આ નિગમમાં કુલ ૩૫૨૨૫ કર્મચારીઓ કામ કરે છે જેમાં ૧૩૮૮૭ ડ્રાઈવર અને ૧૩૯૨૯ કંડકટર નિયમિત સેવા આપે છે. નિગમ દ્વારા રાજ્યમાં રોજના ૭૫૬૧ શિડ્યુલ દ્વારા ૪૨૩૫૧ બસની ટ્રીપો આપવામાં આવે છે જેનો રાજ્યના ૨૭ લાખ મુસાફરો લાભ લે છે. નિગમ દ્વારા રાજ્યના ૧૮૩૬૭ ગામમાં બસ સેવાનો લાભ આપવામાં આવે છે જેમાં અત્યારે ૪.૪૨ લાખ ગ્રામીણ વિધાર્થીઓને ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવે છે જ્યારે ૫.૫૦ લાખ વિધાર્થીઓને ૮૨.૫૦ ટકાની રાહત દરે પાસ સુવિધા આપવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જીવદયા વીર શ્રી ભરતભાઈ કોઠારી સ્મૃતિ સ્મારકનું અનાવરણ કર્યું
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડીસા તાલુકાના કાંટ સ્થિત રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા આયોજિત જીવદયા વીર શ્રી ભરતભાઈ કોઠારી સ્મૃતિ સ્મારકનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વ.ભરતભાઈ કોઠારીએ પોતાનું સમગ્ર જીવન જીવોને બચાવવા માટે વ્યતીત કર્યું હતું. તેમણે અબોલ પ્રાણીઓને બચાવવા માટે કાર્ય કર્યું હતું. વર્ષ ૧૯૯૨માં રાજપુર ગામથી જીવ બચાવવા શરૂ થયેલું અભિયાન આજે વટવૃક્ષ બન્યું છે. જે આ રાજપુર-ડીસા, પાંજરાપોળ એનું સાક્ષી છે. સ્વ.ભરતભાઈના નેતૃત્વમાં ૩૩ વર્ષમાં ૧ લાખ ૪૦ જેટલા અબોલ જીવોને કતલખાને જતા બચાવવાનો શ્રેય જીવદયા પ્રેમીઓ અને જીવદયા વીરોને જાય છે. ગેરકાયદેસર પશુ વધ, પશુ પરિવહન અને કતલખાનાઓ સામે તેમણે કાયદાકીય લડાઈ લડી અને અનેક અબોલ જીવને અભયદાન અપાવ્યું છે. આજે સૌ સાથે મળીને વીર જીવદયા નાયક ભરતભાઈ કોઠારીને શ્રદ્ધાજંલી પાઠવીએ છીએ.
તેમણે જણાવ્યું કે, છેલ્લા વર્ષોમાં ગૌહત્યાના ગુનાઓમાં કડક સજા અપાવવામાં રાજ્યને મહત્વની સફળતા મળી છે. ગુજરાત પોલીસ અને જીવદયા પ્રેમીઓની સંયુક્ત કામગીરીથી હજારો અબોલ જીવ બચાવી શકાયા છે. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને જીવદયા પ્રેમીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, સ્વ.ભરતભાઈ કોઠારીના પરિવારજનો, જીવદયા પ્રેમીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




