પાલનપુર હાઇવે ટ્રાફિક સમસ્યા સામે આશીર્વાદરૂપ જાહેરનામું જારી રાખવાની માંગ

પાલનપુર હાઇવે ટ્રાફિક સમસ્યા સામે આશીર્વાદરૂપ જાહેરનામું જારી રાખવાની માંગ

બાયપાસ સહિતની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન થાય ત્યાં સુધી જાહેરનામાંની મુદત લંબાવવાની માંગ

ટ્રાફિક નિવારણ સમિતિએ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ કરી રજુઆત; પાલનપુરમાં એરોમાં સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં ગત 24 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી  ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેને લઈને ટ્રાફિકમાં ભારે રાહત થઈ છે. ત્યારે જ્યાં સુધી બાયપાસ બને નહિ ત્યાં સુધી જાહેરનામું લંબાવવાની માંગ  જોર પકડી રહી છે.

પાલનપુરમાં એરોમાં સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની હતી. રોજ ટ્રાફિક જામ થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાઈ ન જાય તે હેતુથી જિલ્લા કલેકટરે પાલનપુરના એરોમાં સર્કલ તેમજ આબુ હાઇવે હનુમાન ટેકરી સુધી ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ગત 24 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરી રાજસ્થાનથી અમદાવાદ અને ડીસા જતા મોટા અને ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

જોકે, જિલ્લા કલેકટર મિહિર પટેલ ના જાહેરનામાં ને પગલે ટ્રાફિકમાં 60 ટકા જેટલો ઘટાડો જોવા મળતા શહેરીજનો ભારે રાહત અનુભવી રહ્યા છે. ટ્રાફિક માંથી મુક્તિનો અહેસાસ કરી રહેલા નગરજનો કલેકટરને જાહેરનામું લંબાવવાની અપીલ કરી રહ્યા હોવાનું યુવા અગ્રણી અક્ષય વ્યાસે જણાવ્યું હતું. જ્યાં સુધી બાયપાસ બને નહીં કે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન થાય ત્યાં સુધી કલેકટરના જાહેરનામાંને જારી રાખવાની માંગણી ઉઠી હોવાનું નયન ચત્રારિયાએ જણાવ્યું હતું. આમ, પાલનપુર હાઇવે પરની ટ્રાફિક સમસ્યા સામે આશીર્વાદ રૂપ બનેલા જિલ્લા કલેકટરના જાહેરનામાંને જારી રાખવાની માંગ જોર પકડી રહી છે.

જાહેરનામાંની મુદત લંબાવવાની પૂર્વ પ્રમુખની માંગ:- પાલનપુરના એરોમાં સર્કલ પર ટ્રાફિકની વિકટ સમસ્યા સામે સ્થળ નિરીક્ષણ કરી ભારે વાહનો ને અન્ય રસ્તે ડાયવર્ઝન આપવા ના ઉપાયો સુચવતી લેખિત રજુઆત પાલનપુર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતલાલ જોશીએ જિલ્લા કલેકટરને કરી હતી. જે બાદ જિલ્લા કલેકટરે  જાહેરનામું બહાર પાડતા ટ્રાફિક સમસ્યા હળવી બની છે. ત્યારે ટ્રાફિક સમસ્યા સામે આશીર્વાદ રૂપ બનેલા જાહેરનામાંની મુદત આગામી 17મી માર્ચે પૂર્ણ થઈ રહી છે. ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોશી(દાઢી) એ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી આ જાહેરનામાંની મુદત લંબાવવાની માંગ કરી છે.

વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત; પાલનપુરની માથાના દુઃખાવા સમી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે લડત આપી રહેલી ટ્રાફિક નિવારણ સમિતિએ પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની  રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું કાયમી કરવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત બાયપાસનું કામકાજ ઝડપી પૂરું કરી, શહેરના મધ્યમાં અંડરપાસ અને ઓવરબીજ બનાવવાની માંગ સાથે એરોમાં સર્કલ પર બિનજરૂરી બનાવેલી પાળીઓ તોડવાની માંગ કરાઈ હતી. જોકે, ટ્રાફિક નિવારણ સમિતિની માંગણીનો અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ હકારાત્મક પ્રતિભાવ આપતા જીલ્લા કલેકટરને સૂચના આપી હોવાનો દાવો કરતા ટ્રાફિક નિવારણ સમિતિના જશવંતસિંહ વાઘેલા અને કૌશલ જોશીએ જ્યાં સુધી ટ્રાફિક સમસ્યાનું નિવારણ નહિ આવે ત્યાં સુધી લડત જારી રાખવાની જાહેરાત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *