દુર્ગધ મારતું ગંદકીયુક્ત નાળું રોગચાળો નોતરે તેવી ભીતિ; પાલનપુર નગરપાલિકા દ્વારા મહિને કરોડો રૂપિયાના આંધણ બાદ પણ સફાઈ પરત્વે દુર્લક્ષતા સેવાઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. શહેરના બારડપુરા મારુવાસ પાસેનું ખુલ્લું નાળું સફાઈના અભાવે ગંદકી નું ધામ બનતા જાહેર આરોગ્ય માટે ખતરા રૂપ બન્યું હોઈ સ્તવરે સફાઈ કરવાની માંગ ઉઠી છે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પરિણામ મળતું નથી. ત્યારે જમીની હકીકત નજર અંદાજ કરી શાસકોને સોશિયલ મીડિયામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન સફળ કરવાનું શૂરાતન ઉપડ્યું છે. શહેરમાં ઠેરઠેર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે શહેરના બારડપુરા મારુવાસ પાસે ખુલ્લું નાળું આવેલું છે. જે નાળા ની સફાઈ ન થતા ગંદકીનું ધામ બન્યું છે. હાલમાં નાળાની સફાઈ ન થતા નાળામાં કચરો ભરાતા ભયંકર દુર્ગંધ મારી રહ્યું છે. જેને કારણે મારુવાસ સાહિતના સ્થાનિક રહીશોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી હોઇ પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નગરસેવિકા આશાબેન રાવલે ચીફ ઓફિસરને આ નાળાની તાકીદે સફાઈ કરાવી દવા છંટકાવ કરવાની રજુઆત કરી છે.

