કાંકરેજ વિધાનસભા અને પાટણ લોકસભા હેઠળ આવતા માણેકપુરા-મુના રોડની અવદશા; ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી
ડીસા તાલુકાના માણેકપુરા અને મુના ગામને જોડતો આશરે 3 કિલોમીટર લાંબો રોડ છેલ્લા 12 વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે 700 થી વધુ ગ્રામજનો અને 150 થી વધુ વિદ્યાર્થીઓને રોજ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગના તાત્કાલિક નવીનીકરણની માંગ સાથે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સકારાત્મક કાર્યવાહી થઈ નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ રોડ પર છેલ્લે વર્ષ 2012 માં મેટલ પાથરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજદિન સુધી રોડનું કોઈ પણ પ્રકારનું નવીનીકરણ કે મરામત કરવામાં આવ્યું નથી. માણેકપુરા ગામના લોકો માટે મુના ગામ અને આસપાસના વિસ્તારોમાં જવા માટે આ રોડ મુખ્ય માર્ગ છે. દરરોજ સવારે શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને આ ખરાબ રસ્તાને કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસે છે, જ્યાં નાના વાહનો અને રાહદારીઓ માટે પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે. ખાડા-ટેકરાવાળો આ રસ્તો અકસ્માતને પણ નોતરે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ગામ કાંકરેજ વિધાનસભા અને પાટણ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. તેમનો આક્ષેપ છે કે આ રાજકીય સીમાઓને કારણે જ ગામ વિકાસથી વંચિત રહી ગયું છે અને રોડની આ સ્થિતિ પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. માણેકપુરા અને મુના ગામના લોકોની એક જ માંગ છે કે વહેલી તકે આ રોડનું નવીનીકરણ કરવામાં આવે જેથી તેઓને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળે. ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા અને રોડના નિર્માણ માટે જરૂરી ભંડોળ ફાળવવા અપીલ કરી છે. જો આગામી સમયમાં આ રોડનું કામ શરૂ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


