સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકો ને કાયમી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી; બનાસકાંઠાના ખેલ સહાયકો આજે પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને ખેલ સહાયકોએ કાયમી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અન્ય ભરતીની જેમ ખેલ સહાયકની કાયમી ભરતી કરવા વ્યાયામ શિક્ષકોએ ઉગ્ર માંગ કરી હતી.
ગુજરાત યોગ અને રમતગમત ક્ષેત્રે ખુબજ આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં યોગ અને રમત ગમત ક્ષેત્રે રૂચિ વધે તે માટે સરકાર દ્વારા ખેલ સહાયક પ્રોજેક્ટ લાવ્યા છે. આ પ્રોજેક્ટમાં ધો. 1થી 12 સુધી ની સરકારી શાળાઓમાં ખેલ સહાયકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા નવી ભરતીઓ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાતમાં ખેલ સહાયકોની ભરતીનો ઉલ્લેખ કરાયો નથી. જેથી અન્ય ભરતી ની જેમ ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી વ્યાયામ શિક્ષકો દ્વારા માગ ઉઠી છે. ત્યારે બનાસકાંઠાના ખેલ સહાયકોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી. તેમજ જો સરકાર દ્વારા ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉ.ગુ. વ્યાયામ,અઘ્યાપક મંડળના પ્રમુખ પ્રો.ડો.આર ડી ચૌધરીએ ઉચ્ચારી હતી.