પાલનપુર ખાતે બહેનોએ એકત્ર થઈ હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરવાની કરી માંગ
આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે આજે પાલનપુરમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઈ હતી. છેલ્લા કેટલાય સમય થી પડતર માંગ ને લઈને આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનોએ આંદોલન નું શસ્ત્ર ઉગામ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સરકારી કર્મચારી વર્ગ 3 અને 4 માં સમાવેશ કરવા માટેની લડત ચાલી રહી હતી.
જોકે તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, છ મહિનામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને વર્ગ ત્રણ અને વર્ગ-૪માં સમાવી લેવા આદેશ આપ્યો હતો. જેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી વર્કર, હેલ્પરોને ગુજરાત સિવિલ સર્વિસીસ જનરલ 1967 મુજબ સરકારી કર્મચારી વર્ગ ૩ અને વર્ગ ચાર ને ગણવા અને તેમજ અન્ય લાભના હક આપવા માટે આંગણવાડી કાર્યકરોને અને તેડાગરોને સરકારી દરજ્જો ઝડપથી આપવા આવે તે માટે સરકાર સામે માંગ કરી છે. જે માંગને લઈને આજે પાલનપુર ખાતે આંગણવાડી બહેનોએએ એકત્ર થઈ હાઇકોર્ટનો આભાર માની હાઇકોર્ટના ચુકાદાનો તાકીદે અમલ કરવાની માંગ કરી હતી.