વેપારી અને તાલુકા મથક ડીસા શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડીસાની શાલિગ્રામ સોસાયટીથી રાણપુર આ.વાસ સુધીનો આશરે પોણા બે કિલોમીટર લાંબો નવો બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. ડીસાના ધારાસભ્યના સતત પ્રયાસો અને મહેનત આ રોડની મંજૂરીમાં રંગ લાવી છે.
આ નવો રોડ ડીસા તાલુકાના માળખાકીય વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. પંચાયત હસ્તકના આ રોડના નિર્માણથી સ્થાનિકોને અવરજવરમાં સરળતા રહેશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે. ધારાસભ્યએ આ રોડ મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે, જે દર્શાવે છે કે રાજ્ય સરકાર પણ ડીસાના વિકાસ માટે કટિબદ્ધ છે. 1.85 કરોડના ખર્ચે આ રોડ મંજૂર થતાં ડીસાની જનતામાં આનંદની લાગણી છવાઈ છે. લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલો આ પ્રોજેક્ટ હવે સાકાર થવા જઈ રહ્યો છે,જે ડીસા શહેરના વિકાસને નવી દિશા આપશે.આ રોડ ડીસાના સામાજિક અને આર્થિક વિકાસમાં પણ મહત્વનો ફાળો આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.