તેરા તુઝકો અર્પણ અભિયાનથી પોલીસની પ્રશંસા; ડીસા શહેર ઉત્તર પોલીસે ગુમ થયેલા બે મોટર સાયકલ શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ વાહનોની કુલ કિંમત રૂ.1,10,000/- આંકવામાં આવી છે. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. જારિયાએ અરજદારો ભરતભાઈ ધીગાભાઈ પ્રજાપતિ (રહે. ડીસા, કલાપીનગર) અને ચાહતકુમાર હીરાલાલ ટાંક (રહે. માલગઢ, તા. ડીસા) ના ગુમ થયેલા મોટર સાયકલ શોધી કાઢવા માટે સૂચના આપી હતી. આ બંને વાહનો ડીસાના ગાયત્રી મંદિર ચાર રસ્તા પાસે આવેલા ડો. રવિ પટેલના દવાખાનાની સામેથી ગુમ થયા હતા.
આ સૂચનાના આધારે, વ્હીકલ સ્ક્વોડના કર્મચારીઓએ તાત્કાલિક માનવ સ્રોત (હ્યુમન સોર્સિંગ) ની મદદથી તપાસ હાથ ધરી હતી. જેના પરિણામે, ગુમ થયેલા બંને મોટર સાયકલ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા અને “તેરા તુજકો અર્પણ” ના સૂત્રને સાર્થક કરતા માલિકોને પરત કરવામાં આવ્યા. પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.