ભાડા કરારની મુદત પૂર્ણ થતા બિલ્ડીંગ સીલ કરાયું
ડીસા માર્કેટયાર્ડ (એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) દ્વારા માલિકીના મકાનમાં ભાડેથી ચાલતી ‘વાઇબ્રન્ટ સ્કૂલ ઑફ સાયન્સ’ (બનાસ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત) ને આખરે સીલ મારી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા કોર્ટ કેસ અને જગ્યા ખાલી કરવા માટેની નોટિસો બાદ માર્કેટયાર્ડએ નિયમ અનુસાર આ કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા માર્કેટયાર્ડએ આ બિલ્ડિંગ તા. 01-06-2011 થી તા. 31-03-2021 સુધી શૈક્ષણિક હેતુ માટે બનાસ એજયુકેશન ટ્રસ્ટને ભાડા કરાર પર આપ્યું હતું. કરારની મુદત પૂર્ણ થયા બાદ માર્કેટયાર્ડ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને જગ્યા ખાલી કરવા જણાવાયું હતું, પરંતુ સંચાલકોએ જગ્યા ખાલી કરી ન હતી. જગ્યા ખાલી કરવાના મામલે બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રથમ ડીસા કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જે કોર્ટે રદ કર્યો હતો. ત્યારબાદ ટ્રસ્ટે હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો, પરંતુ હાઇકોર્ટે પણ આ દાવો કાઢી નાખ્યો હતો. કોર્ટમાંથી રાહત ન મળતાં માર્કેટયાર્ડ દ્વારા નિયમાનુસાર સ્કૂલ મેનેજમેન્ટને જગ્યા ખાલી કરવા માટે ત્રણ નોટિસ અને ત્યારબાદ એક આખરી નોટિસ આપવામાં આવી હતી. આટલી નોટિસો છતાં બિલ્ડીંગ ખાલી ન કરાતાં, આખરે માર્કેટયાર્ડ દ્વારા આજે બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ. એન. જોશીએ જણાવ્યું હતું કે, “આ બિલ્ડિંગ ડીસા માર્કેટયાર્ડની માલિકીનું હતું અને તે બનાસ એજ્યુકેશન ટ્રસ્ટને કોઈપણ ડિપોઝિટ લીધા વગર માત્ર ભાડા કરારથી આપેલું હતું. વર્ષ 2021 માં કરાર પૂરો થતાં તેઓ ખાલી કરવાને બદલે કોર્ટમાં ગયા હતા. જોકે, તમામ કોર્ટે તેમનો દાવો કાઢી નાખ્યો. ત્યારબાદ માર્કેટ કમિટી દ્વારા નિયમ અનુસાર નોટિસો આપી આજે બિલ્ડિંગ સીલ મારવામાં આવ્યું છે.”

