ચાર્જશીટ રજૂ થયા વગર આરોપીએ જામીન અરજી મુકતા કોર્ટે રદ કરી; ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ માં કુલ 23 લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા. જેમાં મજૂરો સપ્લાય કરનાર ઇન્દોરના ઠેકેદાર હરીશ રામચંદ્ર મેઘવાનીની જામીન અરજી ડીસા કોર્ટે નામંજૂર કરી હતી. ડીસામાં ફટાકડાના ગોડાઉનની આડમાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં આરોપી પિતા પુત્ર દિપક મોહનાની અને ખૂબચંદ મોહનાની ઉપરાંત પોલીસે મજૂરો સપ્લાય કરનાર ઇન્દોરના ઠેકેદાર હરીશ મેઘવાનીની પણ ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મધ્યપ્રદેશના દેવાસ અને હરદાથી મજૂરો આવતા હતા. આ મજૂરોની સપ્લાય કરનાર ઠેકેદાર હરીશ રામચંદ્ર મેઘવાનીને એ વાતની જાણ હોવા છતાં કે વિસ્ફોટક પદાર્થો સાથે કામ કરવાથી મજૂરોના જીવને જોખમ થઈ શકે છે. તેમ છતાં તેણે બેદરકારી રાખી મજૂરોને આ વાત ન જણાવી મજૂરોને મોકલ્યા હતા. આથી તેને બ્લાસ્ટ કેસમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.હરીશ હાલ પાલનપુર સબ જેલમાં છે.
જેમાં હરીશે પોતાને જામીન પર મુક્ત કરવા ડીસા કોર્ટમાં નિયમિત જામીન અરજી મૂકી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમની સામેનો આરોપ માત્ર ઉશ્કેરણી માટે છે અને ગુનામાં તેમની સીધી સંડોવણીના કોઈ પુરાવા નથી. જે અરજીની ડીસા કોર્ટના સાતમા એડિશનલ સેશન્સ જજ એસ. એમ. કાનાબાર દ્વારા સુનાવણી હાથ ધરાતા હજુ આ કેસમાં તપાસ ચાલી રહી હોવાથી અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી ન હોવાથી, કોર્ટે આ પ્રારંભિક તબક્કે અરજદારને કોઈ રાહત આપવાનું યોગ્ય માન્યું ન હતું. જેથી આરોપીની નિયમિત જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ કર્યો હતો.