ચુંટણીને અનુલક્ષીને 644 પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો; પાટણ જિલ્લામાં આગામી તા.16 મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હારીજ,ચાણસ્મા અને રાધનપુર નગરપાલિકા ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાના બે વોર્ડની પેટાચૂંટણી યોજાશે.તો ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી પણ સાથે યોજાશે હારીજ નગરપાલિકાની 24 બેઠકો માટે 19 મતદાન મથકો પર 111 પોલિંગ સ્ટાફ અને 32 પોલીસ કર્મીઓ તૈનાત કરાશે. ચાણસ્મા નગરપાલિકાની 24 બેઠકો માટે 18 મતદાન મથકોમાં 126 પોલિંગ સ્ટાફ અને 25 પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. રાધનપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 41 મતદાન મથકો પર 248 પોલિંગ સ્ટાફ અને 78 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.
સિદ્ધપુર નગરપાલિકાની બે વોર્ડની પેટાચૂંટણી માટે 10 મતદાન મથકો પર 60 પોલિંગ સ્ટાફ અને 16 પોલીસ કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે સમી તાલુકાની કનીજ બેઠક, સિદ્ધપુર તાલુકાની સમોડા બેઠક અને હારીજ તાલુકાની સાકરા બેઠક માટે કુલ 15 મતદાન મથકો પર 99 પોલિંગ સ્ટાફ અને 30 પોલીસ કર્મીઓ ફરજ બજાવશે.ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 210 ઈવીએમ અને 106 રિઝર્વ ઈવીએમની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મતદાન મથકો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર સજ્જ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.