બનાસકાંઠાના દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં અંદાજિત 50 મીટર લાંબું ગાબડું પડતા છેલ્લા 12 દિવસથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહ્યું નથી. રવિ સિઝનમાં વાવેતરની શરૂઆત થઈ ગઈ હોવા છતાં કેનાલ બંધ હોવાથી કેનાલ આધારિત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ કેનાલના તળિયા અને સાઈડના ભાગનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. અને કોન્ટ્રાક્ટર તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ 21 ફેબ્રુઆરીના રોજ કેનાલમાં ગાબડું પડતા પાણી પુરવઠો બંધ કરવો પડ્યો હતો. ગાબડું પડ્યા બાદ 12 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કેનાલનું સંપૂર્ણ રીપેરીંગ કામ પૂર્ણ થયું નથી. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટેના પાણી માટે રાહ જોવી પડી રહી છે. દાંતીવાડા ડેમની આ મુખ્ય કેનાલ પરથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ 110 ગામડાઓને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. જેમાં બનાસકાંઠાના 49 ગામો અને પાટણ જિલ્લાના 61 ગામોનો સમાવેશ થાય છે. કેનાલ ડેમેજ થતા આ તમામ ગામોના ખેડૂતો હાલ પાણી માટે તકલીફ ભોગવી રહ્યા છે.
રવિ સિઝનમાં ઘઉં, એરંડા તેમજ ઘાસચારા જેવા પાકોને પિયત માટે આ કેનાલનું પાણી મહત્વપૂર્ણ હોય છે. અંદાજિત 20 હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં રવિ પાક માટે આ કેનાલ મારફતે પાણી આપવામાં આવતું હોય છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંત સુધી ખેડૂતોને પાણી મળતું હોય છે, પરંતુ હાલ કેનાલ ડેમેજ થતાં ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ વ્યાપી છે.
ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલનું રીપેરીંગ કામ પૂર્ણ કરી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ રાત-દિવસ કામગીરી ચાલી રહી છે. અને હોળીના વેકેશન હોવા છતાં પણ કામ અટકાવાયું નથી. અધિકારીઓએ દાવો કર્યો છે કે, અંદાજે એક અઠવાડિયામાં ખેડૂતોને ફરીથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી મળી રહેશે. સાથે સાથે કેનાલનું રીપેરીંગ કામ ગુણવત્તા અને જરૂરી જાડાઈ સાથે કરવામાં આવી રહ્યું હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.



