અન્યત્ર સુરક્ષિત જગ્યા ફાળવી સુરક્ષા આપવાની માંગ; ડીસા તાલુકાના પાલડી ગામે મહાદેવજીના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો બહિષ્કાર કરાયો હોવાનો તેમજ તેઓનો ફાળો સ્વીકારાયો ન હોવા બાબતે ભીલડી પોલીસ મથકે 20 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.
જોકે આ ફરિયાદ નોંધાયા બાદ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા આજે પાલડી ગામના દલિત સમાજના લોકો ડીસા નાયબ કલેકટર કચેરી દોડી આવ્યા હતા અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં તેઓએ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી તેઓ ગામમાં રહી શકે તેવી સ્થિતિ ન હોઇ સુરક્ષિત જગ્યાએ તેઓને રહેઠાણ તેમજ ખેતીલાયક જમીન ફાળવી આપવા અને સુરક્ષા આપવાની માંગ કરી હતી. જો તેઓની માંગ નહીં સ્વીકારાય તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.