દલિત સમાજના આગેવાનોની ધર્મ પરિવર્તન કરવાની ચીમકી
ભીલડી પોલીસ મથકમાં મહોત્સવના આયોજકો સામે ફરિયાદ; ડીસા તાલુકાના પાલડી ગામે તાજેતરમાં યોજાયેલા દૂધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને આમંત્રણ ન આપવા અને તેમનો ફાળો સ્વીકારવામાં ન આવતા વિવાદ સર્જાયો છે. આ બાબતે દલિત સમાજે તેઓને ન્યાય ના મળે તો ધર્મ પરિવર્તન કરવાની ચિમકી પણ ઉચારી છે. પાલડી ગામના સરપંચ બાબુભાઈ આલાભાઈ ચૌહાણે આ અંગે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે મહોત્સવના આયોજકોએ ગુનાહિત કાવતરું રચીને દલિત સમુદાયનો બહિષ્કાર કર્યો હતો અને તેમની સાથે અસ્પૃશ્યતા આચરી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા. ૨૮/૦૪/૨૦૨૫ થી તા. ૩૦/૦૪/૨૦૨૫ દરમિયાન પાલડી ગામે દૂધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં આજુબાજુના તમામ ગામોના અને તમામ જાતિના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.તેમજ ગામની તમામ જ્ઞાતિની કુવાશીઓને પણ તેડવામાં આવી હતી અને તેમને તાંબાના લોટા આપીને ઓઢામણા કરવામાં આવ્યા હતા.
જો કે, ફરિયાદી બાબુભાઈ ચૌહાણ, જેઓ પોતે ગામના સરપંચ છે અને દલિત સમુદાયમાંથી આવે છે, તેમનો આક્ષેપ છે કે આ સમગ્ર પ્રસંગમાં તેમના સમુદાયના કોઈ પણ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને તેમનો કોઈ પણ પ્રકારનો ફાળો સ્વીકારવામાં આવ્યો ન હતો. તેઓ જવાબદાર વ્યક્તિ હોવા છતાં તેમની સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવ્યો હતો.
આયોજકોએ ભેગા મળીને સમાન ઇરાદાથી અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કર્યો અને તેમની સાથે અસ્પૃશ્યતા દાખવીને તેમનું અપમાન કર્યું. ગામમાં મહોત્સવમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તેમણે તે સમયે ફરિયાદ કરી ન હતી, પરંતુ હવે તેમના સમુદાય સાથે થયેલા અત્યાચાર અંગે તેઓ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અમે આ ગામમાં રહેવા લાયક નથી અને અમને હિંદુ ગણવામાં આવતા નથી. આથી જો અમને ન્યાય નહીં મળે તો અમે ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અપનાવી લઈશું. તેઓએ આ મામલે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ ડીસા તાલુકામાં જાતિગત ભેદભાવની સમસ્યા ફરી એકવાર સપાટી પર લાવી છે.