કડી શહેરના દેત્રોજ રોડ પર આવેલી સંતરામ નગર સોસાયટીમાં ગઈકાલે રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો છે. મંદિરનું કામ કરતા કીર્તિભાઈ ઠાકરના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘટના સમયે કીર્તિભાઈ મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં સૂતા હતા. તેમના પત્ની અને દીકરી ઘરના ઉપરના માળે સૂતા હતા. આ દરમિયાન તસ્કરોએ મકાનનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
કીર્તિભાઈ અચાનક જાગી જતાં તેમણે બે તસ્કરોને ઘરની બહાર નીકળતા જોયા હતા. તેમણે બૂમાબૂમ કરતાં તસ્કરો ભાગી છૂટ્યા હતા. સોસાયટીના રહીશો એકઠા થયા ત્યારે ઘરની તપાસ કરતાં લાકડાના કબાટમાંથી સોનાની વીંટી, રોકડ રકમ અને પાકીટની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. કુલ 1 લાખ 5 હજારની મતાની ચોરી થઈ હોવાનું જાણવા મળતાં કીર્તિભાઈએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.