ડીસાના દામા ગામે ઝાડ ધરાશાઇ થતાં દંપતીને ગંભીર ઈજા

ડીસાના દામા ગામે ઝાડ ધરાશાઇ થતાં દંપતીને ગંભીર ઈજા

ડીસા તાલુકાના દામા ગામે ભારે વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે એક દુર્ઘટના બની છે. ગામમાં એક ઝાડ ધરાશાયી થતાં પતિ-પત્ની તેના નીચે દબાઈ ગયા હતા, જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, હરદાસભાઈ જાટ અને તેમના પત્ની વરસાદી માહોલ વચ્ચે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ઝાડ ધરાશાયી થયું હતું. આ ઝાડ સીધું તેમના પગ પર પડતાં બંનેને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

ઘટનાની જાણ થતાં જ સરપંચ સહિત ગ્રામજનો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ દંપતીને ઝાડ નીચેથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. એક તરફ અનરાધાર વરસાદના કારણે દામા ગામમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે અને જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે બીજી તરફ આ ઝાડ પડવાની ઘટનાથી ખેડૂત દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યું છે. આમ, ધરતીપુત્રો માટે આ વરસાદ આફતરૂપ બન્યો છે અને જાણે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *