પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં આવેલ ટેલિફોન એક્સચેન્જ નજીક ની કેનાલની ગંદકી ઉલેચી વિસ્તારને સ્વચ્છ બનાવવા તેમજ કેનાલ નજીકના કચરાના સ્ટેન્ડના સ્થળની સત્વરે સફાઈ કરાવી ગેમેક્ષીન પાવડરનો છંટકાવ કરાવવા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને વિસ્તારના કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયાએ અગાઉ કરેલ રજુઆત છતાં આજદિન સુધી આ સમસ્યાનું પાલિકા તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં ન આવતા પુનઃતેઓએ આ બાબતે રજુઆત કરી ટેલીફોન એક્ષચેન્જથી જીવનધારા કેનાલ અને નાળામાં જામેલી ગંદકી તેમજ સારથી સ્ટેટસ સામે કેનાલના નાળા પાસે આવેલ કચરાના સ્ટેન્ડની ગંદકીની સફાઈ કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
કોર્પોરેટરે જણાવ્યું હતું કે આ કેનાલમાં ખડકાયેલી ગંદકી અને કચરાનાં સ્ટેન્ડની અનિયમિત સફાઈને કારણે વિસ્તારમાં પાણી જન્ય જીવજંતુ સહિત મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો ના આરોગ્ય સામે ખતરો તોળાઈ રહ્યો છે. તેમજ સદર વિસ્તારની સોસાયટીઓમાં રોગચાળો ફેલાય તેવી ભિતી સેવાઈ છે. ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારના રહીશોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે કેનાલની ગંદકીની સફાઈ કરાવી ગેમેક્ષીન પાવડરનો છંટકાવ કરાવવા તેમજ મચ્છરોનો ઉપદ્રવના થાય તે માટે કેનાલની આજુબાજુની સોસાયટી વિસ્તારોને ફોગીંગ કરાવવાની લેખિત રજૂઆત દ્રારા માર્ગ કરી હોવાનું જાણવા મળ્યું છે.


