રેલવે પ્રશાસનની બેદરકારીને લઈ ઘઉં ભરીને આવેલી માલગાડીઓ સ્થગીત
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાના રેલવે સ્ટેશન પર ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા લાવવામાં આવેલ ઘઉંનો જથ્થો ઉતારવાની કામગીરી અટકી પડતા ભારે વિવાદ સર્જાયો છે. પ્લેટફોર્મ પર પહેલેથી જ ખાતરનો મોટો જથ્થો અનલોડ થયેલો હોવાને કારણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ ઘઉં ઉતારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે .જો કે આ બાબતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઘઉંનો જથ્થો ઉતારવા દરમિયાન અંદાજે 8 થી 10 ટન જેટલો માલ પ્લેટફોર્મ પર ઢોળાય છે. જો ખાતરના જથ્થાની બાજુમાં જ ઘઉં ઉતારવામાં આવે તો ખાતર અને ઘઉં એકબીજામાં ભળી જવાની પૂરેપૂરી સંભાવના છે.
આ બાબતે પાલનપુર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મેનેજર પી. આર. મીણાએ જણાવ્યું હતું કે જો ખાતર અને અનાજ એક સાથે મિક્સ થાય અને આ ઘઉં બજારમાં પહોંચે તો ગંભીર સ્તરે ફૂડ પોઈઝનિંગ થવાનો ભય રહે છે. અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવું જોખમ અમે લઈ શકીએ નહીં. આ બાબતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કોન્ટ્રાકટર પાર્થ ખત્રીએ કહ્યું હતું કે આ સમગ્ર ગંભીર બાબત અંગે રેલવે વિભાગને લેખિતમાં રજૂઆત પણ કરી હતી અને તાત્કાલિક પ્લેટફોર્મ પરથી ખાતરનો જથ્થો હટાવવા માટે માંગણી કરી હતી. જોકે, આ ફરિયાદના લાંબા સમય બાદ પણ રેલવે દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ઘઉંનો જથ્થો ઉતારવાની કામગીરી સ્થગિત કરવી પડી છે .આ બાબતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું સ્પષ્ટ વલણ જણાવતા ઉમેર્યું હતું કે જ્યાં સુધી રેલવે પ્રશાસન દ્વારા પ્લેટફોર્મ સંપૂર્ણપણે સાફ કરીને ખાતરનો જથ્થો હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી ઘઉંનો જથ્થો ઉતારવામાં આવશે નહીં. રેલવેની આ નિષ્ક્રિયતાને કારણે ઘઉંનો મોટો જથ્થો લઈને આવેલી માલગાડીઓ સ્ટેશન પર જ ઊભી છે, જેના કારણે અન્ય રેલવે વ્યવહાર પર પણ અસર થવાની સંભાવના છે.
જાહેર વિતરણ હેઠળના ઘઉંની સુરક્ષા આવશ્યક
લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત સંવેદનશીલ એવા ઘઉં અને ખાતરને એક જ જગ્યાએ રાખવાની બેદરકારી દાખવનાર રેલવે વિભાગ આ અંગે ક્યારે પગલાં લેશે ? શું ગંભીર પરિણામો આવે પછી જ રેલવે પ્રશાસન જાગશે ? તેવા સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે.ત્યારે તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં ભરે અને જાહેર વિતરણ વ્યવસ્થા માટેના ઘઉંને સુરક્ષિત રીતે ઉતારવામાં આવે તે અતિ આવશ્યક છે.

