લીલા વૃક્ષો કાપવાનો સિલસિલો યથાવત; ડીસા સહિત જિલ્લામાં વૃક્ષોનું આડેધડ નિકંદન

લીલા વૃક્ષો કાપવાનો સિલસિલો યથાવત; ડીસા સહિત જિલ્લામાં વૃક્ષોનું આડેધડ નિકંદન

લાકડાંનો ગેરકાયદે કાળો કારોબાર કરતા તત્વો બેફામ છતાં તંત્રનું ભેદી મૌન સૂચક

સમગ્ર દેશમાં પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે, પરંતુ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણની સ્થિતિ અત્યંત દયનીય બની રહી છે. કારણ તંત્ર દ્વારા આડેધડ વૃક્ષ છેદનની વર્ષોથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવાના પ્રયાસો આજદિન સુધી નહીંવત રહ્યા છે. જેથી એક સમયે હરિયાળો ગણાતો બનાસકાંઠા જિલ્લો હવે ઉજ્જડ બની રણમાં ફેરવાઈ રહ્યો છે.

સરકાર દ્વારા પર્યાવરણ જાગૃતિના આંકડા માત્ર કાગળ પર બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા અત્યંત વિકરાળ છે. જિલ્લાના એક માત્ર ડીસા પંથકમાં છેલ્લા દસ વર્ષમાં લગભગ ૭૦ ટકા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. ખેતરોને ફરતી કાંટાળી વાડને કારણે ખેતરોમાં પણ વૃક્ષો કપાયા છે. આ વૃક્ષો કપાતા ખેતીમાં ઉપયોગી એવા અનેક વન્ય જીવોના આશ્રયસ્થાનો ખોરવાયા છે, જેના પરિણામે તેની વિપરીત અસર ખેતીના પાકો ઉપર થવા પામી છે. ખેતીના પાકોમાં અનેક રોગો આવ્યા છે અને ખેત પેદાશો ઘટી છે. જંતુનાશક દવાનો ઉપયોગ વધતા માનવ જીવન ઉપર પણ તેની અસરો વધી છે અને કેન્સર જેવા જીવલેણ રોગો વકર્યા છે. તેમ છતાં, આ ગંભીર બાબતે આજદિન સુધી સરકાર કે જવાબદાર તંત્ર દ્વારા તેને રોકવા માટે કોઈ જ નક્કર પ્રયાસ હાથ ધરાયા નથી.તેથી જિલ્લો રણમાં ફેરવાઈ રહ્યો છે.

સરકારી વૃક્ષારોપણ અભિયાન : માત્ર કાગળ પરની કામગીરી

સરકાર અને વહીવટી તંત્ર ચોમાસા દરમિયાન પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરે છે. જેમાં સરકારી કચેરીઓ, મેદાનો તથા ગૌચરની જગ્યાઓ પર રાજકીય નેતાઓના હસ્તે મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવે છે. જોકે, પાછળથી દેખરેખ અને જાળવણીના અભાવે આ તમામ રોપાઓનું બાળમરણ થઈ જાય છે.તેથી પર્યાવરણ જાગૃતિની વાતો માત્ર કાગળ પર રહી જાય છે, જ્યારે વાસ્તવિકતા સાવ અલગ જ રહે છે.

વરસાદ ઘટ્યો, હિજરતનો ભય : ગામડાં ઉજ્જડ

છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ ઘટ્યો છે, ખેતી માટે પૂરતું પાણી નથી અને લોકો હિજરત કરી રહ્યા છે. ગામડાં ઉજ્જડ થઈ ભેંકાર ભાસી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં સતત વૃક્ષ છેદનના કારણે વરસાદ ઘટી રહ્યો છે.ગત વર્ષે પણ અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસકાંઠામાં વરસાદ ઓછો નોંધાયો હતો. જો આ રીતે જ વૃક્ષછેદન થતું રહ્યું તો આગામી વર્ષોમાં લોકોને અહીંથી હિજરત કરવી પડશે તે નિશ્ચિત છે. ત્યારે બનાસકાંઠાને ઉજ્જડ બનતો અટકાવવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે.

ડીસા રેલવે સ્ટેશન નજીક બેફામ વૃક્ષ કટીંગ : તંત્રની ઉદાસીનતા

વૃક્ષ નારાયણના થતા બેફામ નિકંદનનો એક નમૂનો ડીસાના રેલવે સ્ટેશન નજીકથી માર્કેટયાર્ડ જતા માર્ગ પર આવેલ અંબિકા વે બ્રિજ નજીક જોવા મળે છે. મોડી રાત્રે અને વહેલી સવારે મોટા પ્રમાણમાં ટ્રેક્ટરો અને ઊંટગાડા ભરીને લીલાછમ વૃક્ષોના કપાયેલા થડ અહીં વેચાવા માટે આવે છે. અનેક ગેરકાયદેસર સો-મિલ ચલાવતા વેપારીઓ સવારે વહેલા આવી પાણીના મૂલે ઉપયોગી અને કિંમતી વૃક્ષોની હરાજી કરી લઈ જાય છે. તેઓ પોતાના આર્થિક હિત સાધવા માટે પર્યાવરણનું પણ અધો:પતન નોતરી રહ્યા છે.આ સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે. ખુદ ફોરેસ્ટ વિભાગ, મામલતદાર તેમજ જાગૃત ધારાસભ્ય પણ આ બાબતથી અજાણ નથી. મીડિયા કર્મીઓ દ્વારા અનેક વખત રજૂઆતો અને અહેવાલો પ્રસિદ્ધ  કરવા છતાં આ બાબતને કોઈ ગંભીરતાથી લેતું નથી. આ ઉપરાંત, વહેલી સવારે અનેક સિનિયર સિટીઝન અને અધિકારીઓ મોર્નિંગ વોકમાં નીકળે છે અને આ તમાશો જુએ છે, તેમ છતાં તેમના દ્વારા પણ આ વૃક્ષ છેદનની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવાનો આજદિન સુધી પ્રયાસ કરાયો નથી.

ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્ર પર વિપરીત અસર

વૃક્ષો કપાતા ગ્લોબલ વોર્મિંગની વિકરાળ સમસ્યા સર્જાઈ છે, જેના પગલે ઋતુચક્ર ખોરવાઈ ગયું છે અને સમગ્ર જીવસૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે.ત્યારે જવાબદાર તંત્ર આ ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા માટે તાત્કાલિક કડક પગલાં લે તે આવશ્યક છે, અન્યથા એક સમયનો હરિયાળો જિલ્લો પણ આવનારા વર્ષોમાં રણ બની જાય તો નવાઈ નહીં. શું તમને લાગે છે કે આવા અહેવાલો તંત્રને જાગૃત કરી આ ગંભીર સમસ્યાને રોકવા માટે કડક પગલાં લેવા પ્રેરી શકે છે ?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *