પાટણના માખણિયાપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે. તળાવમાં ગટરનું પાણી ઠલવાતા તે ઓવરફ્લો થયું છે અને આ દૂષિત પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે.સ્થાનિક ખેડૂત જયેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, તળાવમાં ભૂગર્ભ ગટરનું પાણી આવવાથી ખેતરો જળબંબાકાર થયા છે. દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણીના કારણે ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. નગરપાલિકાના અયોગ્ય આયોજનને કારણે આ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક રહીશો અને ખેડૂતોએ પાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે.
તો સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ અગાઉ આ મામલે પાલિકા સતાધીશોને સુચિત કયૉ હોવાછતાં આજદિન સુધી ગટરના પાણીને અટકાવવા માટે પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જણાવી ખેડૂતોએ પાલિકા તંત્ર સામે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. જોકે આ વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટરો આ સમસ્યાના નિવારણ માટે પ્રયત્નશીલ છે પરંતુ અન્ય પદાધિકારીઓ તરફથી માખણિયા વિસ્તારના લોકો અને ખેડૂતોની સમસ્યા પ્રત્યે કોઈ ધ્યાન ન આપતા હોવાના ખેડૂતોએ આક્ષેપ કરી પાલિકા તંત્રના અણધડ વહીવટી અને સતાધીશોની નિષ્ક્રિયતા સામે બળાપો વ્યક્ત કર્યો હતો.