બનાસકાંઠામાં નકલી બીડીઓનું ખુલ્લેઆમ ધૂમ વેચાણ
નકલી બીડી પીનારા ગળાના કેન્સર અને આંતરડાના જીવલેણ રોગના ભોગ બન્યા; સમગ્ર રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે લાખણી સહીત બનાસકાંઠા જિલ્લામાં ભેળસેળ અને નકલી ચીજ વસ્તુઓની બદીએ માઝા મુકી છે. સ્વાર્થી લેભાગુ તત્વો લોકોના આરોગ્યને બદલે માત્ર પોતાના હિતને ધ્યાનમાં રાખે છે. એટલે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચિંતાજનક હદે વધી રહી છે. તેમાં પણ ‘ચોરના ભાઈ ઘંટી ચોર’ સમાન તંત્રના અધિકારીઓની મીલી ભગત હોય તો પછી પુછવું જ શું?
બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી નકલી બીડીઓનું ખુલ્લેઆમ જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે. ચોંકાવનારી હકીકત એ છે કે નકલી બીડી ફૂંકનાર કેટલાય લોકો ગળાના કેન્સરનો ભોગ બની મોતના ખપ્પરમાં હોમાઈ ગયાની ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે. તેમ છતાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ધમધમતી દુકાનોમાં થોકબંધ નકલી બીડીઓ ઉતારવામાં આવે છે. પછી પાનના ગલ્લાઓમાં મોટાપાયે નકલી બિડીઓનું વેચાણ થાય છે. કમાણી ભૂખ્યા કેટલાક સ્વાર્થી તત્વો તો ગ્રામ્ય વિસ્તારની દુકાનો અને પાનના ગલ્લા વાળાઓને અસલીના નામે નકલી બીડીઓ પધરાવી જતાં હોવાનું ચર્ચાય છે. ગામડાના ભોળા અને અભણ લોકોને ખબર પડતી નથી કે કઈ બીડી અસલ છે કે નકલ? તેથી મોકળા મેદાનથી આવા સ્વાર્થી તત્વોને જલસા પડી ગયા છે. અને ઢગલાબંધ નકલી બીડીનો જથ્થો ઉતારી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. નકલી બીડી પીનારાઓને આંતરડા અને ગળાના ભયંકર રોગ થાય છે.જેમા ગળાના કેન્સરના કારણે કેટલાય લોકો મોતને ભેટયા હોવાની ઘટનાઓ અવારનવાર મીડિયામાં પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આ છેતરપિંડીને અટકાવવા માટે બીડી કંપનીના માલિકો તેમજ જવાબદાર તંત્ર ગ્રામીણ વિસ્તારોની દુકાનો અને પાનના ગલ્લા ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી નકલી બીડીના ષડયંત્રનો પર્દાફાસ કરે તેવો જનમત પ્રવર્તે છે.
કંપનીઓ સાથે પણ છેતરપીંડી; ખેતી પ્રધાન બનાસકાંઠા જિલ્લામાં બીડીઓના બંધાણી વધુ છે. તેથી બીડીઓના ભાવમાં ધરખમ વધારો કરાયો છે.પણ જાણે કોઈ પૂછનાર જ નથી. જેથી મોકળુ મેદાન જોઈ કેટલાક લેભાગુ તત્વો ઘરે સસ્તી તમાકુથી નકલી બીડીઓ બનાવી જાણીતી કંપનીઓને પણ છેતરે છે.આ બાબતે આકસ્મિક તપાસ થાય તો ચોંકાવનારી વિગતો ખુલે તેમ છે. પણ તપાસ કરનાર જવાબદાર તંત્રની કામગીરી સામે અવારનવાર ઘણાં સવાલો ઉઠે છે. તે વરવી વાસ્તવિકતા છે. જેના કારણે હાલમાં નકલીની બોલબાલા વધી પડી છે.