કાર્યકરો સાથે સંવાદ કરી સક્ષમ હોદ્દેદારોની કરાશે વરણી; તાજેતરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાયું હતું. જેમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નું સૃજન સંગઠન અભિયાન હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. જેના ભાગરૂપે આજે એ.આઈ.સી.સી.ના ઓબ્ઝર્વર અને ઝારખંડના સાંસદે બનાસકાંઠાની મુલાકાત લઈ સૃજન અભિયાનની માહિતી આપી હતી.
બનાસકાંઠા કોંગ્રેસના સૃજન અભિયાનના એ.આઈ.સી.સી. ના ઓબ્ઝર્વર તરીકે ઝારખંડના સાંસદ સુખદેવસિંહ ભગતને નિયુક્ત કરાયા છે. ત્યારે આજે તેઓ બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ પત્રકાર વાર્તા કરી સૃજન અભિયાનની માહિતી આપી હતી. કોંગ્રેસ કાર્યકરો સાથે સંવાદ કરી ગ્રાસ રૂટ પર કાર્ય કરતા સક્ષમ કાર્યકરોને જિલ્લાના હોદ્દેદારો તરીકે નિયુક્ત કરશે. સુખદેવસિંહ ભગતે જણાવ્યું હતું કે, કોંગ્રેસી હોવું અને કોંગ્રેસમાં હોવું તેમાં ફરક છે. ત્યારે પ્રજાના ચૂંટાયેલા કોંગ્રેસના પ્રતિનિધિઓ સહિત કાર્યકરો સાથે સંવાદ કરી કોંગ્રેસી વિચારધારા ધરાવતા લોકોને પક્ષનું જિલ્લા એકમનું સુકાન સોંપવામાં આવશે. સૃજન અભિયાન થકી કોંગ્રેસમાં નવ ચેતનાનો સંચાર થશે તેવો દાવો કરાઈ રહ્યો છે. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રભારી બળદેવજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.