હાય રે ભાજપ હાય’ના નારા સાથે રેલવે ગરનાળા પાસે ચક્કાજામ કરાતા પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી. પાટણમાં મનરેગા યોજનાને નબળી પાડવાના આક્ષેપ સાથે મંગળવારે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે ચકકાજામ કરી ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવતા રેલવે ગરનાળા પાસે ચક્કાજામ કરાયા બાદ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશ હેઠળ પાટણ જિલ્લા કોંગ્રેસે આ વિરોધ કાર્યક્રમ રેલવે ગરનાળા ખાતે યોજ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ને નબળી પાડવામાં આવી રહી હોવાના આરોપો સાથે આ પ્રદર્શન કરાયું હતું. કોગ્રેસના પ્રદર્શનકારીઓએ સૌપ્રથમ મહાત્માગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે રસ્તા પર બેસીને ‘હાય રે ભાજપ હાય હાય’ ના નારા લગાવી વાતાવરણ ગજવ્યું હતું.
પાટણ ખાતે આયોજિત આ કાર્યક્રમ ને લઇ ફરજ પરની પોલીસે કોગ્રેસના પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારનું તાજેતરનું ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ બિલ મનરેગા યોજનાનું અસ્તિત્વ ખતમ કરવાનો પ્રયાસ છે. વિપક્ષ આ નવા બિલને મનરેગાને નબળી પાડવાના અને શ્રમિકોના અધિકારો છીનવવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યું છે. કોંગ્રેસે મનરેગા અને શ્રમિક અધિકારોના મુદ્દે સરકાર સામે આગામી સમયમાં પણ વિરોધ યથાવત્ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

