પાલનપુર નગરપાલિકામાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી ધરણા યોજવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરોની અટકાયત કરી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકામાં વિવિધ મુદ્દાઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા. તેમના જણાવ્યા અનુસાર, નગરપાલિકાના જન સેવા કેન્દ્રમાં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. સર્વર વારંવાર ડાઉન રહે છે અને વેરો ભરવા માટે લોકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે.
શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. નગરપાલિકા વારંવાર વેરા વધારે છે, પરંતુ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ ઉપરાંત, શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને પાર્કિંગની સમસ્યા પણ વણઉકેલી રહી છે. પ્રદર્શનકારીઓએ પાણી, રસ્તા, સફાઈ અને ભ્રષ્ટાચારના મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. કોંગ્રેસના કાર્યકરોએ આ સમસ્યાઓના નિરાકરણની માંગ કરી છે.