નગરપાલિકાના વહીવટ સામે ગંભીર આક્ષેપો; ડીસા શહેરમાં રેન બસેરાના નિર્માણ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં મોટાપાયે ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો સાથે ડીસા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર અને ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે નગર પાલિકાના અણઘડ વહીવટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકાર દ્વારા ડીસા નગરપાલિકાને દસ રેન બસેરા બનાવવા માટે કુલ રૂ. ૩૬,૫૦,૦૦૦ (છત્રીસ લાખ પચાસ હજાર) ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જોકે, કોંગ્રેસના આક્ષેપ મુજબ, આજદિન સુધી એક પણ રેન બસેરાનું નિર્માણ થયું નથી. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યોને આપવામાં આવતી ગ્રાન્ટમાંથી પણ રેન બસેરાના નામે ફાળવેલ ગ્રાન્ટનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો હોવાનું અને જે સ્થળોએ બાંધકામ દર્શાવવામાં આવ્યું છે, ત્યાં વાસ્તવમાં કોઈ બાંધકામ થયું ન હોવાનું કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.કોંગ્રેસના કાર્યકરોએ નગરપાલિકાના વહીવટ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ગરીબ અને નિરાધાર લોકોને આશ્રય આપવા માટેની યોજનામાં પણ ગેરરીતિ આચરવામાં આવી રહી છે, જે અત્યંત નિંદનીય છે. કોંગ્રેસે આ મામલે તટસ્થ તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો આ બાબતે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.