ભાજપના નેતાઓની ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની રજૂઆત: ગુજરાત કેબિનેટમા મળેલી બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવા માટેની મંજૂરી મળી ગઈ છે.પણ તેને લઈ ધાનેરા તાલુકાની પ્રજા ચિંતામા મુકાઈ ગઈ છે.પ્રજાની લાગણી અને ભાવ બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલ છે.જેથી પ્રજાની રજૂઆત છે કે ધાનેરા બનાસકાંઠા જિલ્લામા રહે.
આ મામલે ધાનેરા તાલુકા ભાજપના નેતાઓ સાથે ધાનેરા તાલુકો ક્યાં જિલ્લામા જસે એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો.વિધાનસભા લડી ચૂકેલા ભગવાનદાસ પટેલનું માનીએ તો ધાનેરા તાલુકાના ભાજપના કાર્યકર્તા અને આગેવાનોની રજૂઆત ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામા રાખવાની છે અને આ રજૂઆત ધાનેરા તાલુકા વતી સંગઠન અને સરકારમા કરવામાં પણ આવી છે.ધાનેરા મત વિસ્તારમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાનો સમાવેશ થાય છે.ધાનેરા તાલુકામા કુલ 78 ગામો આવે છે. ધાનેરા તાલુકો થરાદ તાલુકાની નજીક આવેલો તાલુકો છે.જોકે ધાનેરા તાલુકામા જાતિ જન સંખ્યા પ્રમાણે ચૌધરી સમાજ સૌથી મોટો સમાજ છે. પશુપાલનના વ્યવસાયમા પણ બનાસ ડેરીમા 60 ટકા કરતાં પણ વધારે દૂધ સંપાદન કરતો તાલુકો છે.સગા સબંધી અને આર્થિક વ્યવહાર માટે બનાસકાંઠા જિલ્લામા રહેવાનું પ્રજા પસંદ કરી રહી છે.
ધાનેરા મત વિસ્તારમાં છેલ્લા ત્રણ ટર્મથી ભાજપની હાર થાય છે.વર્તમાન સમયમા પણ અપક્ષના હવાલે છે.જેથી સરકારમા ભાજપના સંગઠનનો નિર્ણય આખરી નિર્ણય હોય છે.બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ અનિલભાઈ રાઠોડએ જણાવ્યું છે કે સંગઠનમા થયેલ બેઠકમા ધાનેરાને બનાસકાંઠા જિલ્લામા રાખવા માટેની રજૂઆત થઈ ચૂકી છે. આ બાબતે પૂર્વ ધારાસભ્ય નથાભાઇએ પણ બનાસકાંઠામાં રહેવાનું પસંદ કરેલ છે.વસંતભાઈ પુરોહિતે પણ સુર પુરાવ્યો છે.જો કે વિભાજનના સમાચારને લઈ હજુ સુધી સ્પષ્ટ સમાચાર સામે નથી આવ્યા કે વિભાજનમા કેટલા તાલુકાનું વિભાજન થવા જઈ રહ્યું છે ? પણ સૌથી વધારે ધાનેરા તાલુકાની પ્રજાની ચિંતા વધી છે.હવે જોવાનું એ છે કે ભાજપનાં નેતાઓની રજૂઆત સરકાર ધ્યાને રાખે છે કે નહિ ?