બે દિવસ પોલીસની હાજરીમાં બિહાર વાળા દ્રશ્યો સર્જાયા; ગત તા ૩૦/૪/૨૫ના સાંજે ભાભર હાઇવે પરના વાવ સર્કલ પાસે બે સમાજના ઈસમો વચ્ચે પોતાનાં વાહનોને સાઇડ નહી આપવાના કારણે ઝઘડો થયો હતો. તેના અનુસંધાને મોડી સાંજે છ વાગ્યાના સમયે આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ લેતા હાઇવે ઉપર મારામારીનાં દ્રષ્યો સર્જાયાં હતાં. જેમાં ધારીયાં,લાકડી જેવાં જીવલેણ હથીયારોથી ભાભર તાલુકાના ખડોસણ ગામના પાંચ ઇસમો ગંભીર ઘાયલ થયા હતા.
હાઈવે ઉપર મારામારીની દિયોદર એએસપી સુબોધ માનકરને જાણ થતાં તાત્કાલિક ડિવિઝનનો પોલીસ સ્ટાફ ગોઠવી પરીસ્થીતીને કાબુમાં લીધી હતી. બનાવના પગલે પરિસ્થિતિ વણસી જતા માહોલ ગરમાયો હતો. દરમિયાન આ ઘટનાને લઇ ઠાકોર સમાજમાં આક્રોશ ફેલાતા આસપાસના ગામોમાથી હજારો ઠાકોર યુવાનો અને આગેવાનો ભાભર ખાતે એકઠા થયા હતા અને કોંગ્રેસના સંસદસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની આગેવાની હેઠળ રેલી યોજી હતી. જેમાં પોલીસની હાજરીમાં યુવાનોએ બળજબરી પુર્વક બજારો બંધ કરાવી લારી ગલ્લાવાળાઓને નુકશાન કરી બે નિર્દોષ વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ કરી હતી. જેના કારણે ફરી બિહાર જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ બાબતે સાંસદે કાયદો વ્યવસ્થાની સ્થિતી ન ડહોળાય અને શાંતિ જાળવવા અપીલ કરી હતી જ્યારે એએસપી માનકરે જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાને અસર કરનારને બક્ષવામાં નહિ આવે.