દિવાળીના તહેવારને આવકારવા પાલનપુર મમતા મંદિરના દિવ્યાંગ વિધાર્થીઓએ પોતાના હાથે રંગબેરંગી અને ડિઝાઇનવાળા અવનવા દીવડા તથા તોરણ તૈયાર કરી વેચાણ માટે મુક્યા છે. આ દિવ્યાંગ બાળકોની આકર્ષક કૃતિઓ હાલ સૌનું ધ્યાન ખેંચી રહી છે.દિવાળીના તહેવારો હવે ગણતરીના દિવસોથી દૂર છે. ઘરોને સુંદર રીતે શણગારવા લોકો અવનવા ડેકોરેશનની તૈયારીમાં લાગી ગયા છે. પહેલાં સાદા દીવડાઓનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે બજારમાં નવીન ડિઝાઇનવાળા દીવડા અને સુશોભન સામગ્રીની માંગ વધી રહી છે.
ત્યારે પાલનપુરની મમતા મંદિરમાં અભ્યાસ સાથે સાથે દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બને તે હેતુથી ઈત્તર પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે. રક્ષાબંધનમાં રાખડીઓ પછી, હવે દિવાળીને ધ્યાનમાં રાખી આ બાળકો વિવિધ રંગોથી સુશોભિત દીવડા અને તોરણ તૈયાર કરી વેચાણ માટે મૂકે છે. આ દીવડા અને તોરણ ન માત્ર તેમની પ્રતિભાનું પ્રતિબિંબ છે, પરંતુ સ્વાવલંબન તરફનું એક અનોખું પગલું પણ છે. લોકો પાસે અપીલ કરવામાં આવી છે કે તેઓ આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડા અને તોરણ ખરીદીને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપે છે


