બનાસકાંઠાના તેજસ્વી વિદ્યાર્થીઓનું કલેક્ટર મિહિર પટેલ દ્વારા સન્માન કરાયું

બનાસકાંઠાના તેજસ્વી વિદ્યાર્થીઓનું કલેક્ટર મિહિર પટેલ દ્વારા સન્માન કરાયું

વિદ્યાર્થીઓને કલેક્ટરએ માર્ગદર્શન આપી ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા; બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલએ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ, આચાર્યઓ તથા શિક્ષકઓનું સન્માન કરીને તેમને માર્ગદર્શિત કર્યા હતા. કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે આયોજિત બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓઓનું કલેકટરએ સન્માન કરીને આગળના અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સાલ ઓઢાડી તથા શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે કલેક્ટરએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પોતાની રુચિ મુજબ આગળનો અભ્યાસક્રમ પસંદ કરવામાં આવે, પ્રોફેશનલ કોર્સમાં રુચિ હોય તો ત્યાં વધુ સારી પ્રગતિ કરી શકાશે. એ.આઈ, સાયબર સિક્યુરિટી, યુ.પી.એસ.સી, નાસા સહિતના વિવિધ અભ્યાસક્રમો અંગે તથા તેમણે પોતાના વિદ્યાર્થી અવસ્થાના અનુભવો શેર કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બોર્ડની પરીક્ષાઓના પરિણામમાં ધોરણ ૧૦ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં ૮૯.૨૯ ટકા સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે પણ સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો હતો. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૭.૨૦ ટકા પરિણામ મેળવ્યું હતું. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાએ ૮૯.૨૫ ટકા પરિણામ મેળવ્યું હતું.

સન્માન મેળવનાર ધોરણ ૧૦ની વિદ્યાર્થીની સૃષ્ટિ ચૌધરીએ જણાવ્યું કે,તે શ્રી રામ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષામાં તેણે ૬૦૦ માંથી ૫૯૪ માર્ક્સ મેળવ્યા છે. આ જવલંત પરિણામ માટે વિદ્યાર્થીનીએ તેના ગુરુજનો અને માતા-પિતાને શ્રેય આપ્યો હતો તથા સમાજમાં ઉદઘોષક પથદર્શક અને સફળ સુકાની રહેવા માટે જે માર્ગદર્શન મળ્યું છે તે માટે તેણે કલેકટર મિહિર પટેલનો આભાર માન્યો હતો.

ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી ગૌતમ પ્રજાપતિએ જણાવ્યું કે, તેણે વિદ્યામંદિર પાલનપુર ખાતે અભ્યાસ કર્યો હતો. અમારા આગળના કેરિયરમાં કેવી રીતે આગળ વધવું તે અંગે કલેક્ટર મિહિર પટેલ દ્વારા અમને જે માર્ગદર્શન મળ્યું અને અમને ઘણું શીખવા મળ્યું જે જીવનમાં ખૂબ ઉપયોગી બની રહેશે તેમણે કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ, વિવિધ શાળાઓના આચાર્યઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *