બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં આજે વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતાં ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. રવિ સિઝનમાં આ સમયગાળા દરમિયાન જો વરસાદ થાય તો જીરું અને એરંડા જેવા મહત્વપૂર્ણ પાકોને મોટું નુકસાન થવાની ગંભીર સંભાવના રહેલી છે. સ્થાનિક ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, થરાદ તાલુકામાં એક અઠવાડિયા અગાઉ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે ફરી વહેલી સવારથી આકાશમાં ગાઢ વાદળોની હાજરીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ચાલુ વર્ષે જીરું અને એરંડાના પાકનું ઉત્પાદન સારું રહ્યું છે, પરંતુ હવામાનમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે.
વિશેષ રીતે જીરાંના પાક માટે આ તબક્કે વરસાદ અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે, જે ખેડૂતો માટે મોટી ચિંતાનું કારણ બન્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, જેના કારણે ખેડૂતો સતર્ક બન્યા છે અને પોતાના પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે.