ડીસા નવા બસ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાનના ધજાગરા: દુકાનદારો બેફામ, પાલિકા મૂકપ્રેક્ષક

ડીસા નવા બસ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાનના ધજાગરા: દુકાનદારો બેફામ, પાલિકા મૂકપ્રેક્ષક

વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા ડીસા નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે રાત-દિવસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજમાર્ગો પર સફાઈ, ઠેર ઠેર કચરાપેટીઓ મૂકવી અને પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીના ઉપયોગ માટે જાગૃતિ અભિયાન જેવા અનેક કાર્યો હાથ ધરાયા છે. જોકે, શહેરના કેટલાક ભણેલા-ગણેલા દુકાનદારો અને વેપારીઓ જાહેરમાં કચરો ફેંકીને આ અભિયાનની ઐસીતૈસી કરતા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ડીસા નવા બસ સ્ટેશન વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે.

બસ સ્ટેશન વિસ્તારમાં કચરાના ઢગલા અને આરોગ્યનું જોખમ; ડીસા નવા બસ સ્ટેશનની અંદર અને બહાર આવેલા શોપિંગ સેન્ટરના કેટલાક દુકાનદારો રાત્રિ દરમિયાન પોતાની દુકાનનો કચરો જાહેરમાં ફેંકી દે છે, જેના કારણે કચરાના મોટા ઢગલા ખડકાઈ રહ્યા છે. આદિત્ય કોમ્પ્લેક્સની સીડી નીચે તો કેટલાક દુકાનદારોએ કચરા સ્ટેન્ડ જ બનાવી દીધું છે, જ્યાં કચરાના ઢગલા સ્પષ્ટપણે નજરે પડે છે. આશ્ચર્યજનક રીતે, આ કચરાના ઢગલાની આસપાસ જ નાસ્તાની લારીઓ ઊભી રહે છે જ્યાં રોજના હજારો લોકો નાસ્તો આરોગે છે. આના કારણે લોકોનું આરોગ્ય ગંભીર જોખમમાં મુકાઈ રહ્યું છે. વરસાદી પાણી ભરાવાને કારણે કાદવ-કીચડ પણ ફેલાયેલો છે, જે રોગચાળાને નોતરી શકે છે.

પાલિકા અને આરોગ્ય વિભાગની કુંભકર્ણ નિંદ્રામાં; શહેરમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા હોવા છતાં, ડીસા નગરપાલિકાના સત્તાધીશો અને આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. નવા બસ સ્ટેશનની સામે નાયબ કલેક્ટર કચેરી આવેલી હોવા છતાં સ્વચ્છતા જાળવવામાં આવતી નથી, જેના પર અનેક સવાલો ઉભા થાય છે. પાલિકા દ્વારા લારી ધારકો પાસેથી રોજબરોજ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ નવા બસ સ્ટેશનના દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં પાછળ હટવાનું કારણ અગમ્ય છે. ડેપો મેનેજર પણ આ સ્થિતિથી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ; સ્વચ્છતા અભિયાનની સાથે સાથે ડીસા શહેરમાં પ્રતિબંધિત ૫૦ માઈક્રોથી ઓછા માઈક્રોનના પ્લાસ્ટિકના કાયદાની પણ ઐસીતૈસી કરવામાં આવી રહી છે. ડીસાના ગાંધીચોક વિસ્તારમાં આજે પણ અનેક દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ અને ઉપયોગ થતો જોવા મળે છે. કરિયાણાની દુકાનો, શાકભાજીની લારીઓ અને રેડીમેડ સહિતની અનેક દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થાય છે. નગરપાલિકા દ્વારા વાર તહેવારે દુકાનોમાં તપાસ કરી ચેકિંગના નામે વેપારીઓ પાસેથી દંડ વસૂલી કાગળ પર કાર્યવાહી કરી સંતોષ માની લેવાય છે, પરંતુ પર્યાવરણ બચાવવાની વાતો માત્ર કાગળ પર જ રહી જાય છે.

જાગૃતિ અભિયાનની તાતી જરૂર; આ પરિસ્થિતિ જોતા ડીસા નગરપાલિકા અને ધારાસભ્યશ્રી દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકો અને વેપારીઓમાં જાગૃતિ લાવવા માટે સઘન અભિયાન હાથ ધરવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. જ્યાં સુધી કાયદાનો કડક અમલ ન થાય અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના ન કેળવાય, ત્યાં સુધી ભારતના વડાપ્રધાનનું સ્વચ્છતા અભિયાનનું સપનું સાકાર થઈ શકશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *