મણિપુરમાં મેઇતેઈ સમુદાય અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ : સરકારી ઇમારતોને આગ ચાંપી

મણિપુરમાં મેઇતેઈ સમુદાય અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ : સરકારી ઇમારતોને આગ ચાંપી

મેઇતેઈ નેતા સહિત ૪ લોકોની કથિત ધરપકડથી સ્થિતિ વણસી : ઇમ્ફાલમાં SDC ઓફિસ ભસ્મીભૂત : ૫ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા સ્થગિત : મહિલાઓએ મશાલ માર્ચ યોજી નવી સરકારની માંગ કરી

પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે ફરી એકવાર હિંસાનો દાવાનળ ભડક્યો છે. મેઇતેઈ સમુદાયના લોકો અને સુરક્ષા દળો વચ્ચે ગંભીર અથડામણના સમાચાર સામે આવ્યા છે. ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતોને નિશાન બનાવી આગના હવાલે કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તાજી હિંસા પાછળનું કારણ મેઇતેઈ સમુદાયના એક નેતા સહિત ૪ લોકોની કથિત ધરપકડ છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને તણાવ પ્રવર્તી રહ્યો છે.

સુરક્ષા દળો પર હુમલો અને વણસતી સ્થિતિ

મણિપુરના ઘણા ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર, ઇમ્ફાલ પશ્ચિમના ક્વાકેઇથેલ અને સિંગજામેઈ જેવા વિસ્તારોમાં અચાનક વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ ગઈ. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા અને રબર બુલેટનો ઉપયોગ કરવો પડ્યો.

સબ ડિવિઝનલ કલેક્ટર ઓફિસમાં આગચંપી

પ્રદર્શનકારીઓએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના સબ ડિવિઝનલ કલેક્ટર (SDC) ની ઓફિસને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાથી ઇમારતને વ્યાપક નુકસાન થયું હતું અને ઘણા મહત્વપૂર્ણ સરકારી રેકોર્ડ આગમાં બળીને રાખ થઈ ગયા હતા. પોલીસે આ કૃત્યમાં સામેલ આરોપીઓની શોધ શરૂ કરી દીધી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

વિવિધ વિસ્તારોમાં આગ અને રસ્તાઓ બંધ

ઇમ્ફાલ પૂર્વના વાંગખેઈ, યૈરીપોક અને ખુરાઈ જેવા વિસ્તારોમાં પણ આગચંપીની ઘટનાઓ નોંધાઈ છે. વિરોધકર્તાઓએ રસ્તાઓ પર ટાયરો સળગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. વિરોધકર્તાઓએ વાંસ મૂકીને ઘણા રસ્તાઓ બ્લોક કરી દીધા હતા, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને, ઇમ્ફાલ એરપોર્ટ તરફ જતો તિદ્દિમ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો, જોકે સુરક્ષા દળોએ તેને સાફ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

ઇન્ટરનેટ બંધ અને નવી સરકારની માંગ

આ પ્રદર્શનકારીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. ખુરાઈમાં મહિલાઓએ મશાલ માર્ચ કાઢી હતી. અને રાજ્યમાં નવી સરકારની રચનાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. ગઈકાલે વહીવટીતંત્રે મણિપુરના ૫ જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, જેથી અફવાઓ ફેલાતી અટકાવી શકાય અને પરિસ્થિતિ વધુ વણસે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *