રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર “ઓપરેશન અભ્યાસ”ના ભાગરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણ અંગે જાગૃતિ હેતુથી અલગ-અલગ સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચંડીસર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ખાતે સિવિલ ડિફેન્સની મહત્વપૂર્ણ મોક ડ્રીલ યોજાઈ હતી.
આ ડ્રીલના માધ્યમથી HPCL જેવી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દુર્ઘટનાની પરિસ્થિતિમાં ત્વરિત કામગીરી, બચાવ તથા બચાવ કાર્યમાં જોડાયેલ વિવિધ લોકો વચ્ચેની સંકલિત કામગીરી અંગે પ્રેક્ટિકલ કરાયું હતું. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, 108 એમ્બ્યુલન્સ સેવા, સ્થાનિક વહીવટી તંત્ર તેમજ HPCLના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. મોક ડ્રીલ થકી આગ, જાનહાની, ઇંધણ લીકેજ અને પેનિક સ્થિતિમાં બચાવ અને રાહત માટે કેવી રીતે કામગીરી કરવી તે બાબતે માર્ગદર્શન અપાયું હતું. મોક ડ્રીલમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.