બાલવાડી અને ધોરણ 1 થી 5 વચ્ચે માત્ર બે રુમ અને 2 શિક્ષકો, પુલ પણ ક્યારે બનશે…??
બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો પછાત અને આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં નિરક્ષરતાના વધુ પ્રમાણને લઇ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોને સાક્ષર બનાવવા ભણતર માટે અનેક પ્રયાસો હાથ ધરી રહી છે ત્યારે અંબાજીથી પાંચ કિલોમીટર દૂરના અંતરે આવેલી છાપરી ગામની પ્રાથમિક શાળા જે 2016 થી કાર્યરત છે પરંતુ સરકાર દ્વારા શાળા તો બનાવી પણ શાળામાં ભણવા જવા માટે બાળકોને રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલ ચોમાસામાં રસ્તો પાણીમાં ગરકાવ થઇ ગયો છે, ને શાળામાં ભણવા જતા ધોરણ 1 થી 5 ના બાળકો જીવના જોખમે ભણવા જતા જોવા મળી રહ્યા છે. શિક્ષકોને પણ નાના બાળકોને પકડીને પાણીમાં રસ્તો પસાર કરવો પડે છે. આ શાળામાં જવા એક માત્ર રસ્તો છે જે તેલિયા નદીમાંથી પસાર થાય છે.જેથી બાળકો નદીના પાણીના પ્રવાહમાં પસાર થવા મજબુર બન્યા છે. જયારે આ નદીમાં પાણી વધારે આવી જાય તો શાળાના શિક્ષકોને બાળકોને લઇ ડુંગરાઓમાંથી શાળા સુધી પહોંચવું પડે છે, ને પહાડોમાં પણ પગ લપસી જવાના ભયના ઓથાર હેઠળ ભણતર માટે જવું પડે છે. આ નદી ઉપર વર્ષોથી પુલની માંગ કરવામાં આવી રહી છે પણ તે સંતોષાતી નથી.
જયારે આ શાળામાં બાલવાટિકા સાથે ધોરણ 1થી 5 ના વર્ગો ચાલે છે પણ હાલ માંડ 10 થી 15 વિદ્યાર્થીઓની હાજરી જોવા મળે છે ને ભણવા આવતા બાળકોને પણ પાણીમાં તણાઈ જવાનો તેમજ ડુંગરાઓ ઉપરથી લપસી પાડવાનો ડર લાગતો હોવાથી મોટાભાગે શાળાએ પણ આવતા નથી.
જયારે વાલીઓ પણ આવી શાળામાં બાળકોને ભણવા ચોમાસાની ઋતુમાં મોકલતા નથી તો ક્યારેક કેટલાક વાલીઓને પણ બાળકોને મુકવા શાળાએ આવવું પડે છે ને તેમાં પણ વધારે વરસાદ હોય ને નદીમાં પાણીનું વહેણ વધતા વાલીઓ બાળકોને પાણીમાં તણાઈ જવાના ડરથી શાળામાં મોકલતા નથી. જેનાથી ચોમાસાના ચાર મહિના બાળકોનો અભ્યાસ પણ બગડે છે. જેને લઇ રોડથી શાળા સુધીના પુલની માંગ કરાઈ રહી છે.
આ શાળામાં 2019 થી માત્ર બે ઓરડામાં જ બાલવાડી અને ધોરણ 1 થી 5 ના વર્ગો ચાલે છે તેમાં વર્ગોની ઘટ્ટના કારણે ત્રણ -ત્રણ વર્ગ બે રૂમોમાં બેસાડવા પડે છે.એટલુ જ નહીં,આ બાલવાડી અને ધોરણ 1 થી 5 ના વર્ગો વચ્ચે માત્ર 2 શિક્ષક જ મુકવામાં આવ્યા છે. ત્યારે….શું…..આ રીતે ભણશે ગુજરાત…. ?? તેવો સવાલ ઉઠે તે સ્વભાવિક છે.