રાજ્ય સ્વાગતમાં 90 રજૂઆતો : જિલ્લા-તાલુકા સ્વાગતમાં 3600થી વધુ પ્રશ્નોનું નિરાકરણ : પારદર્શક વહીવટ પર ભાર મુક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રો સહિત નાગરિકોના નાનામાં નાના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે ઝડપી નિવારણ લાવવા માટે જિલ્લા વહીવટી તંત્રોને તાકીદ કરી છે. તેમણે ખાસ કરીને ‘સ્વાગત’ કાર્યક્રમમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતા લાંબા સમયથી બાકી પ્રશ્નોનું ત્વરિત અને નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યા છે. દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ અંતર્ગત મે-2025ની રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીએ 11 જેટલા રજૂઆત કર્તાઓની રજૂઆતો સાંભળીને તેના નિવારણ માટેના સૂચારુ સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ આ સ્વાગત કાર્યક્રમમાં મુખ્યત્વે મહેસુલ વિભાગમાં જમીન માપણી, સંપાદન, સંપાદન મુક્તિ અને મકાન બાંધકામની સ્ટેમ્પ ડ્યુટીને લગતા પ્રશ્નો તેમજ સિંચાઈ વિભાગમાં પ્રોટેક્શન વોલ સહિતના પ્રશ્નોની રજૂઆત મળી હતી. આ ઉપરાંત, પોલીસ અને પંચાયતને સ્પર્શતા પ્રશ્નો પણ રજૂ થયા હતા.
મે-2025ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં 90 જેટલા રજૂઆતકર્તાઓએ પોતાની જુદી જુદી રજૂઆતો કરી હતી. તેનું જનસંપર્ક કક્ષના અધિકારીઓ દ્વારા નિરાકરણ કરવા માટે સંબંધિતોને સૂચનાઓ આપવામાં આવી હતી.રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમો પણ નિયમિતપણે યોજાય છે. મે-2025ના સ્વાગતમાં જિલ્લા કક્ષાએ વિવિધ નાગરિકોની કુલ 1103 જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળીને તેના નિરાકરણ માટે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી. તાલુકા કક્ષાએ યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 2503 રજૂઆતો એમ કુલ 3617 રજૂઆતો રૂબરૂ સાંભળવામાં આવી હતી. તેમાંથી 52 ટકા જેટલી રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે, જે સરકારી વહીવટમાં ઝડપ અને પારદર્શકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસભાઈ, અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડો. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખભાઈ અને રાકેશ વ્યાસભાઈ, તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ જોડાયા હતા.