વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસની કેડી કંડારી છે. તેઓએ ગુજરાતના ગામેગામ વીજળી અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. ગુજરાતના દરેક બાળકને શિક્ષણ મળી રહે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ જેવા આયોજનો થકી અગાઉના સમયમાં શાળા ડ્રોપઆઉટ રેશિયો 35% હતો, જે આજે ઘટીને 1.98% સુધી પહોંચ્યો છે. આ તકે મહેસાણા જિલ્લાનો વિશેષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં દીકરીઓનો શાળામાં એનરોલમેન્ટ રેશિયો 99.88% છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. શિક્ષણમાં સરકાર તો પૂરતું ધ્યાન આપી જ રહી છે પણ સરકાર સાથે જ્યારે જનભાગીદારી જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાતો હોય છે, જેનું ઝુલાસણ અનુપમ પ્રાથમિક શાળા ઉત્તમ ઉદાહરણ છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વરસાદી પાણીના સંગ્રહ માટે વડાપ્રધાનએ દેશમાં ‘કેચ ધ રેઇન’ ઝુંબેશ શરૂ કરાવી છે. જે અંતર્ગત વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા આ શાળામાં પણ કરવી જોઈએ અને શાળાની સાથે સાથે ગામમાં પણ વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીએ સૂચવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગ સામે જેટલા વધુ વૃક્ષો વાવીશું તેટલો જ આપણને વધુ લાભ થશે તેમ જણાવી દરેકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને, તેનો ઉછેર કરીને વડાપ્રધાનના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં સહભાગી થવા સૌને મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. જ્યાં સ્વચ્છતા ઉપર ભાર મુકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરેક લોકોએ સ્વચ્છતાને સ્વભાવમાં વણી લેવી જોઈએ. જો આ સ્વચ્છતા સ્વભાવમાં આવશે તો વિકાસ દીપી ઉઠશે.
આ તકે મુખ્યમંત્રીએ નવનિર્મિત શાળામાં દાન આપનાર દાતાઓને અભિનંદન પાઠવી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ શાળાના વર્ગખંડોની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અનુપમ પ્રાથમિક શાળામાં 18 ક્લાસરૂમ, 2 કોમ્પ્યુટર રૂમ, 1 સ્માર્ટ ક્લાસ, મેદાન સહિતની સુવિધાઓ છે.