મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બનેલી વિજાપુર શંકાસ્પદ પનીર ફેકટરીમાં પત્રકાર ઉપર હુમલાની ઘટનામાં મહેસાણા સેસન્સ કોર્ટે આરોપીને જામીન આપ્યા છે અને પત્રકારો પર ગંભીર ટિપ્પણી કરતા પત્રકારો પાસે જ પત્રકાર હોવાના પુરાવા માંગ્યા છે ત્યારે આ મામલે પત્રકાર આલમમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે.
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં હિંમતનગર હાઇવે પર આવેલી ડિવાઇન ફૂડ નામની એક ફેક્ટરીમાં નકલી પનીર માફિયા દ્વારા પામોલિન તેલમાંથી પનીર બનાવવાનું સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ અંગે ત્યાં કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મી પર પનીર માફિયા અને ફેક્ટરી માલિક દિનેશ પટેલે હુમલો કર્યો હતો. પત્રકારોને માર મારી, બચકાં ભરી કેમેરા તોડ્યા હતા તેવી પ્રાથમિક હકીકત સામે આવતાં જેના આધારે પોલીસે દિનેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ દિનેશ પટેલને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ હતો. સ્વ બચાવમાં દિનેશ પટેલ દ્વારા આ બાબતે પોતાના વકીલ મારફતે જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. વકીલની દલીલો અને રજૂઆતને ધ્યાને લઈને સમગ્ર બનાવ મામલે કોર્ટે પુરાવા માંગતા દિનેશ પટેલ દ્વારા સીસીટીવી કેમેરાના વીડિયો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં CCTVમાં જોઈ શકાય છે કે ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર ફેક્ટરીમાં રહેલ વ્યક્તિને ના પાડવા છતાં પણ વારંવાર જવાબ આપવા માઇક ધરે છે જેનાથી કંટાળી વ્યક્તિ વાયર તોડી નાખે છે અને પછી પત્રકારો ભેગા થઈ વ્યક્તિને માર મારે છે ત્યારે બાદ એલસીબી પોલીસ દ્વારા વ્યક્તિ પર ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવે છે.
તો બીજી તરફની જો વાત કરવામાં આવે તો કથિત આરોપી દિનેશ પટેલ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવતા જામીન સમયે CCTV કેમેરાના વીડિયો રજૂ કર્યા હતાં તે પુરાવાઓ જોતાં કોર્ટે પત્રકારો પાસે પત્રકાર હોવાના પુરાવા માંગી પત્રકારો પર ગંભીર ટિપ્પણી કરી પત્રકારોને પણ પોતાની સીમાચિહ્નની રેખામાં રહેવા તાકીદ કરી છે. કથિત પનીર માફિયા અને આરોપી દિનેશ પટેલની જામીન અરજીના ચુકાદામાં કોર્ટ દ્વારા નિષ્પક્ષ અવલોકન કરવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ પત્રકાર કોઈ વ્યક્તિને પ્રશ્નના જવાબ આપવા દબાણ કરી શકે નહીં અને જો જવાબ આપવા માટે ખોટી રીતે દબાણ કર્યું હોય તો તે બાબત કાયદાના વર્તુળની બહાર જાય છે. આવી બાબત ગુનાહિત પ્રવુતિના વર્તુળમાં આવે છે. સીસીટીવી જોતા ફરિયાદી પત્રકાર અને તેની સાથે આવેલા લોકોએ ઉશ્કેરણી કરી હોવાનું જણાઈ આવે છે, જેમાં ફરિયાદી સાથે આવનાર માણસોએ આરોપી ઉપર હુમલો કર્યો હોવાનું પણ સીસીટીવીમાં જણાઈ આવે છે.
કોર્ટે આ બાબતે ટાંકયું હતું જે ફરિયાદી પત્રકાર પોતે પત્રકાર હોવાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા નથી સાથે પોલીસે પણ પત્રકાર હોવાની ઓળખ માટે કોઈ પુરાવા ભેગા કર્યા નથી ત્યારે પોલીસે દબાણવશ થઈ વેપારી શાખ ધરાવતા દિનેશ પટેલની ખોટી રીતે અટકાયત કરી છે અને પત્રકારોનો પણ કોર્ટે ઉધડો લેતા
જણાવ્યું હતું કે પત્રકાર કોઈ પણ હોય પરંતુ પત્રકારોએ કાયદાના વર્તુળમાં રહીને જ જવાબદારીનું વહન કરવું જોઈએ. પત્રકારોને એવો કોઈ જ અધિકાર નથી કે તેઓ સામેવાળા વ્યક્તિને પોતાના પ્રશ્નનો જવાબ આપવા દબાણ કરી શકે. પત્રકારે કરેલી ફરિયાદ બાદ કોર્ટે સાચી દિશામાં તપાસ કરવાંના આદેશ આપ્યા છે.


