જાપાન સહિત ભારતના અનેક રાજ્યોમાંથી ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
જૈનોની ધર્મ નગરી શંખેશ્વર તીર્થમાં શનિવારે મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મહારાજનો ચાતુર્માસ પ્રવેશ ભક્તિમય માહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે જાપાન સહિત ભારતના અનેક રાજ્યોમાંથી આવ્યા ગુરુ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે શંખેશ્વર તીર્થમા સોધર્મ બૃહત્તપાગચ્છ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ત્રિસ્તુતિક જૈન સમુદાયના જૈનાચાર્ય શ્રી જયન્તસેનસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજય જી મહારાજ આદિ ઠાણા નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો. ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે શ્રી રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસ પ્રવેશની શોભાયાત્રા શંખેશ્વર તીર્થના મુખ્ય મંદિરથી શરૂ થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રાજેન્દ્રસૂરી નવકાર મંદિર ખાતે ધર્મસભામાં ફેરવાઈ હતી.
શોભાયાત્રામાં ભગવાન અને ગુરુ ભગવંતોના ફોટાના રથ, ઘોડા, અષ્ટ મંગલ મંડળી, ચામર અને મોર નૃત્ય મંડળી, બેન્ડ, નાશિક અને દેશી ઢોલ સહિતની વિવિધ વસ્તુઓ સાથે શાહી શોભાયાત્રા યોજાઇ હતી. શોભાયાત્રામાં શંખેશ્વરના મહિલા મંડળ અને સામયિક મંડળ સુરત, અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન મહિલા પરિષદ ડીસા તેમજ અમદાવાદ અને વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ કલશ ધારણ કરીને સામૈયા અને મંગલગીતના ગુંજન કરીને ગુરુભગવંતોનું સ્વાગત કર્યું હતું. શોભાયાત્રામાં શંખેશ્વર જૈન સંઘ સહિત શહેરના વિવિધ સમાજના નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા જેના લીધે તમામ ધર્મો વચ્ચે સમરસતાની લાગણી દેખાતી હતી. શોભાયાત્રાનું શંખેશ્વર જૈન સંઘ,રાષ્ટ્રીય સ્વયંસેવક (RSS),શંખેશ્વર ગામ પંચાયત ના નાગરિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા જૈન ધર્મના નારાઓ અને ગુરુ ભગવંતોના ગુણગાન સાથે ગુંજતી, મંદિરના મુખ્ય દ્વાર પર પહોંચી હતી, જ્યાં ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચાતુર્માસ મંગલ પ્રવેશની ધર્મસભા શ્રી પુણ્ય સમ્રાટ પ્રવચન મંડપ અસ્થાયી રૂપે રાજેન્દ્રસૂરી નવકાર મંદિર સંકુલમાં બાંધવામાં આવેલ મંડપ માં પુર્ણ થઈ હતી જેમાં આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ, આચાર્ય ભગવંત શ્રી પૂર્ણચંદ્રસૂરિ મહારાજ,આચાર્ય ભગવંત શ્રી મહાનંદસૂરિ મહારાજ,આચાર્ય ભગવંત શ્રી દિવ્યચન્દ્રસૂરિ મહારાજ અને અન્ય ઘણા સાધુ સાધ્વીજી મહારાજ હાજર રહ્યા હતા. ધાર્મિક સભાની શરૂઆત ગુરુ ભગવંતોના મંગલાચરણથી થઈ હતી. જેમાં ગુરુભક્ત સંગીતકાર કૃણાલભાઈ સુરાણી એ સંગીત અને લાગણીના શબ્દોથી સભાને ગુરુભક્તિથી ભરી દીધી હતી.આ ધાર્મિક સભા લગભગ ત્રણ કલાક ચાલી હતી. જેમાં સરાહનીય બાબત એ હતી કે ગુરુ ભગવંતો અને શ્રાવકો અને શ્રાવિકાઓએ કાર્યક્રમની પુર્ણાહુતી સુધી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પાટણ જિલ્લા અધિક કલેક્ટર અને ભારતના વિવિધ રાજ્યોના શહેરોમાંથી જૈન સમુદાય સહિત ટ્રસ્ટના ટ્રસ્ટી અરવિંદભાઈ દેસાઈ અમદાવાદ, હસમુખભાઈ વેદાલિયા ડીસા, રમેશભાઈ અનોખી સુરત અને પુણ્ય સમ્રાટ ગુરુદેવ શ્રીના પરમ ગુરુ ભક્ત તુલસી બહન જાપાન આદિએ સંબોધન કર્યું હતું .ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે જાપાનથી આવેલા તુલસીબહને પુણ્ય સમ્રાટ ગુરુદેવ શ્રીમદ વિજય જયંતસેન સૂરીશ્વરજી મહારાજના ફોટા અને પધારેલા ગુરુ ભગવંતોના ગુરુ પૂજનનો લાભ લીધો હતો.કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ વેદાલીયા ડીસાએ કર્યું હતું. શ્રી રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ટ્રસ્ટ શંખેશ્વરના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓએ અને મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મહારાજના સાંસારિક ભત્રીજા કેયુર દોશી અમદાવાદનો ચાતુર્માસ પ્રવેશ પ્રસંગને સફળ બનાવવામાં અવિસ્મરણીય ફાળો રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી શંખેશ્વર જૈન સંઘના નગરશેઠના પુત્ર યોગેશ શાહ સહિત સમગ્ર ટીમનો સહયોગ પણ રહયો હતો.