બે અજાણ્યા ઇસમો સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ: ઊંઝા તાલુકાના ટુંડાવ અમુઢ રોડ પર સિદ્ધપુર થી ઇકોગાડી ભાડે કરી બે અજાણ્યા ઇસમો માર્ગમાં ઇકોગાડીના ચાલક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માર મારી ઈકો ગાડી તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ 2,52,000 ના મત્તાની લૂંટ કરી નાસી જવાની દિનદહાડે ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો છે. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ગામના પ્રતાપજી જીવણજી ઠાકોર ઈકો ગાડી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ સિદ્ધપુર દેથળી ચાર રસ્તા પાસે ઉભા હતા. તે દરમિયાન બે અજાણ્યા ઇસમો ઉવ 30 થી 35 વર્ષના પ્રતાપજીને કામલી ગામે વર્ધીમાં જવાનું કહી લઈ ગયા હતા. બાદ કોઈ પણ રીતે ટુંડાવ થી અમુઢ ગામ તરફ જતા રોડ ઉપર ઉભી રખાવી હતી. બાદમાં પ્રતાપજીને છરી જેવા તિષ્ણ હથિયાર વડે પેટના જમણી બાજુ તથા છાતીના ઉપરના ભાગે જમણી બાજુ ગંભીર ઈજાઓ કરી હતી. આ ઊપરાંત મોઢાના જડબાના ભાગે માર મારી ઈકો ગાડી કી રૂ 2,50,000 તથા મોબાઇલ ફોન કિ રૂ 2000 મળી કુલ રૂ 2,52,000ની લૂંટ કરી આબાદ ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે ઇજા ગ્રસ્તના પુત્ર કિરણજી પ્રતાપજી ઠાકોરના નિવેદનને આધારે કોઈ બે અજાણ્યા ઇસમો ઉવ 30 થી 35 જેના નામ સરનામાં જણાવેલ નથી સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.